Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ન્યાયાધીશો 11:12-40

આમ્મોનીઓના રાજાને યફતાનો સંદેશ

12 યફતાએ સંદેશવાહકો મોકલીને આમ્મોનીઓના રાજાને કહેવડાવ્યું કે, “તમાંરે અમાંરી સાથે શો ઝગડો છે? તમે અમાંરા ઉપર શા માંટે આક્રમણ કર્યુ છે?”

13 રાજાએ જવાબ આપ્યો, “જ્યારે ઈસ્રાએલીઓ મિસર આવ્યા ત્યારે આર્નોન નદીથી યાબ્બોક અને યર્દન નદી સુધીનો સમગ્ર દેશ અમાંરો હતો, પણ ઈસ્રાએલીઓએ અમાંરી પાસેથી તે લઈ લીધો. હવે શાંતિથી અમાંરા સર્વ પ્રદેશ અમને પાછા આપી દો.”

14 યફતાએ ફરીથી તેની પાસે સંદેશવાહકો મોકલ્યા, 15 અને કહેવડાવ્યું કે,

“મોઆબ કે આમ્મોનનો પ્રદેશ ઈસ્રાએલે લઈ લીધો છે તે હકીકત સાચી નથી. 16 જયારે ઈસ્રાએલીઓ મિસરથી આવ્યા ત્યારે રણમાં થઈને લાલ સમુદ્ર સુધી ગયા અને કાદેશ પહોચ્યા. 17 ત્યારબાદ તેઓએ અદોમના રાજાને ‘તેના દેશમાં થઈને તેઓને જવા દેવ માંટે પરવાનગી લેવા સંદેશવાહકો મોકલ્યા.’ પણ તેઓને પરવાનગી અપાઈ નહિ, તેથી તેઓએ મોઆબના રાજાને એવી જ રીતે વિનંતી કરી, પરંતુ તેણે પણ કહ્યું, ‘ના’ તેથી ઈસ્રાએલીઓ કાદેશના દેશમાં રહ્યાં.

18 “ત્યારબાદ તેઓ વન્ય પ્રદેશમાં ગયા અને અદોમ અને મોઆબ દેશની આસપાસ ગયા અને આર્નોન નદીની સામે પડાવ નાખ્યો. તેઓ મોઆબની સરહદની બહાર હતાં. કારણકે તેઓએ આર્નોન નદી ઓળંગી ન હતી જે મોઆબ દેશની સરહદ હતી.

19 “ત્યારપછી ઈસ્રાએલીઓએ હેશ્બોન નગરના અમોરીઓના રાજા સીહોનને સંદેશવાહકોને કહેવા મોકલ્યા; અમને તમાંરા દેશમાં પસાર થઈને જવાદો જેથી અમે અમાંરા અંતિમ મુકામ પર જઈ શકીએ.” 20 પરંતુ સીહોનને ઈસ્રાએલીઓમાં વિશ્વાસ ન હતો તેથી તેણે પોતાના દેશમાંથી પસાર થવા દીધા નહિ. પણ તેણે પોતાના બધા સૈનિકોને ભેગા કર્યા. તેઓએ યાહાસમાં છાવણી નાખી અને ઈસ્રાએલ સાથે લડ્યા. 21 ઈસ્રાએલના દેવ યહોવાએ સીહોનને અને તેના સૈન્યને ઈસ્રાએલીઓને સોંપી દીધું. તેથી તેઓએ તેમને પરાજય આપ્યો અને ત્યાં રહેતા અમોરીઓના બધા પ્રદેશ કબજે કર્યા. 22 તેઓએ અમોરીઓના દેશની સરહદની અંદરનું બધુ જ, આર્નોન નદીથી યાબ્બોક સુધી અને રણથી યર્દન નદી સુધી સમગ્ર દેશ કબજે કર્યો.

23 “આ રીતે, ઈસ્રાએલના દેવ યહોવાએ પોતાના લોકો ઈસ્રાએલીઓને માંટે અમોરીઓનો દેશ લઈ લીધો હતો અને હવે તેઓ તેના વારસદાર છે. અને તમે એ દેશ પાછો લેવા માંગો છો? 24 તમાંરા દેવ કમોશે તમને જે આપ્યો છે તે દેશ તમે રાખો, અને અમે અમાંરા દેવ યહોવાએ અમને જે આપ્યો છે તે દેશ અમે રાખીશું. 25 શું મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાકના કરતાં શું તું ચઢિયાતો છે? ઈસ્રાએલે તેનો પરાજય કર્યા પછી શું તેણે પોતાનો દેશ પાછો મેળવવા પ્રયત્ન કર્યો હતો? ના, બિલકુલ નહિ. 26 છેલ્લા 300 વર્ષથી ઈસ્રાએલીઓ હેશ્બોન અને તેની આસપાસનાં નગરોમાં, અરોએરની નજીકમાં અને તેની પાસેના નગરોમાં, અને અર્નોન નદી અને નજીકનાં નગરોમાં રહેતા આવ્યા છે, તમે કેમ એ બધાં નગરો આ સમય દરમ્યાન પાછાં લઈ ન લીધાં? 27 મેં તમાંરું કંઈ પાપ કર્યું નથી, પરંતુ તમે માંરા ઉપર ચડાઈ કરીને માંરું બગાડો છો, યહોવા ન્યાયાધીશ છે, અને એ જ આજે ઈસ્રાએલીઓ અને આમ્મોનીઓ વચ્ચે ન્યાય કરશે.”

28 પણ આમ્મોનીઓના રાજાએ યફતાએ મોકલેલો સંદેશો ધ્યાનમાં લીધો નહિ.

યફતાનું વચન

29 એ વખતે યહોવાના આત્માંએ યફતામાં પ્રવેશ કર્યો, અને ગિલયાદ અને મનાશ્શામાં થઈને ગિલયાદમાં આવેલા મિસ્પાહ ગામે અને ત્યાંથી આમ્મોનીઓના દેશમાં ગયો.

30 યફતાએ યહોવાને વચન આપ્યું, “જો તમે આમ્મોનીઓને માંરા હાથમાં સોંપી દેશો 31 તો હું આમ્મોનીઓ ઉપર વિજય પ્રાપ્ત કરીને પાછો ધેર જાઉં ત્યારે જે કોઈ માંરા ઘરમાંથી મને મળવા પ્રથમ બહાર આવશે તેનું દહનાર્પણ હું તમને ધરાવીશ.”

32 ત્યાર પછી યફતાએ જઈને આમ્મોનીઓ ઉપર હુમલો કર્યો અને યહોવાએ આમ્મોનીઓને તેના હાથમાં સોંપી દીધા. 33 તેઓએ અરોએરથી મિન્નીથ સુધીના પ્રદેશ જીતી લીધાં અને 20 નગરોમાં તથા છેક આબેલ-કરામીમ સુધી તેણે આમ્મોનીઓનો પીછો કર્યો. આ એક મહાન વિજય હતો. આ રીતે, ઈસ્રાએલીઓ આમ્મોનીઓને હરાવી શક્યા.

34 જયારે યફતા મિસ્પાહમાં પોતાને ઘેર આવ્યો ત્યારે તેની પુત્રી ખંજરી વગાડતી, અને નાચતી તેને મળવા દોડી આવી. તે તેનું એકનું એક સંતાન હતું. તેને બીજા કોઈ પુત્ર કે પુત્રી ન હતાં. 35 તેને જોઈને તેણે શોકના માંર્યા કપડાં ફાડી નાખ્યાં અને કહ્યું “ઓ દીકરી, તેં તો મને આજે દુઃખી અને કંગાળ બનાવી દીધો! મેં યહોવાની સામે વિચાર્યા વગર માંનતા કરી હતી કે હું બલિદાન આપીશ. અને તે હું પાછી લઈ શકું નહિ.”

36 તે બોલી, “પિતાજી, તમે વિચાર્યા વગર યહોવાની સમક્ષ માંનતા કરી છે, તો હવે મને તમાંરા મુખમાંથી બહાર આવ્યા પ્રમાંણે કરો; કારણ યહોવાએ તમાંરા શત્રુ આમ્મોનીઓ ઉપર તમને વેર વાળવામાં વિજયી બનાવવા મદદ કરી છે.”

37 “પરંતુ પ્રથમ બે મહિના સુધી મને માંરી સખીઓ સાથે પર્વત પર ફરી લેવા દો, અને માંરે કુંવારા મરવું પડે છે એનો શોક પાળીશ.”

38 તેથી તેણે કહ્યું, “તારી બહેનપણીઓ સાથે બે મહિના માંટે જા,” તે તેની બહેનપણીઓ સાથે પર્વતોમાં ચાલી ગઈ અને ત્યાં પોતાના કૌમાંર્ય માંટે શોક કર્યો.

39 બે મહિના પછી તે તેના પિતા પાસે પાછી આવી. અને તેણે તેના યહોવાને આપેલા વચન પ્રમાંણે તેણે કર્યુ તેથી તેણે લગ્ન કર્યો નહિ. ત્યારબાદ ઈસ્રાએલમાં આ રિવાજ થઈ ગયો. 40 યુવાન સ્ત્રીઓ પ્રતિવર્ષ ચાર દિવસ બહાર જતી અને ગિલયાદના યફતાની પુત્રીનો શોક મનાવતી.

પ્રેરિતોનાં કૃત્યો 15

યરૂશાલેમમાં સભા

15 પછી કેટલાક માણસો યહૂદિયાથી અંત્યોખમાં આવ્યા. તેઓએ બિનયહૂદિ ભાઈઓને શીખવવાનું શરૂ કર્યુ. “જો તમે સુન્નત નહિ કરાવો તો તમને બચાવી શકાશે નહિ. મૂસાએ આપણને આમ કરવાનું શીખવ્યું છે.” પાઉલ અને બાર્નાબાસ આ બોધની વિરૂદ્ધમાં હતા. તેઓએ આ માણસો સાથે દલીલો કરી. તેથી તે સમૂહે પાઉલ અને બાર્નાબાસને, અને બીજા કેટલાક માણસોને યરૂશાલેમ મોકલવાનું નક્કી કર્યુ. આ માણસો પ્રેરિતો અને વડીલોની સાથે આ વિષયમાં વધારે વાતો કરવા ત્યાં જતા હતા.

તે મંડળીએ માણસોને વિદાય થવામાં મદદ કરી. આ માણસો ફિનીકિયા સમરૂનનાં દેશોમાં થઈને ગયા. આ બધાં શહેરોમાં તેઓએ બિનયહૂદિ લોકો સાચા દેવ તરફ કેવી રીતે વળ્યા તે સંબંધમાં કહ્યું, આથી બધા ભાઈઓ ઘણા આનંદિત થયા. પાઉલ, બાર્નાબાસ અને બીજાઓ યરૂશાલેમમાં આવ્યા. પ્રેરિતો, વડીલો અને વિશ્વાસીઓના આખા સમૂહે તેઓનું સ્વાગત કર્યુ. પાઉલ, બાર્નાબાસ અને બીજાઓને દેવે તેઓની સાથે જે કંઈ કર્યુ તે વિષે કહ્યું, યરૂશાલેમના કેટલાક વિશ્વાસીઓ ફરોશીપંથના હતા. તેઓ ઊભા થયા અને કહ્યું, “બિનયહૂદિ વિશ્વાસીઓની સુન્નત કરાવવી જોઈએ. આપણે તેઓને મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવા કહેવું જોઈએ!”

પછી પ્રેરિતો અને વડીલો આ સમસ્યાનો અભ્યાસ કરવા ભેગ થયા. ત્યાં એક લાંબો વાદવિવાદ થયો. પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે શરૂઆતના દિવસોમાં શું બન્યું છે તેનું સ્મરણ કરો છો. દેવે મને તમારામાંથી બિનયહૂદિ લોકોને સુવાર્તા આપવા પસંદ કર્યો છે. તેઓએ મારી પાસેથી સુવાર્તા સાંભળી છે અને તેઓએ વિશ્વાસ મૂક્યો છે. દેવ બધા માણસોના વિચાર જાણે છે, અને તેણે આ બિનયહૂદિઓને સ્વીકાર્યા છે. દેવ જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિષે સાક્ષી પૂરી. દેવની આગળ આ લોકો આપણા કરતાં જુદા નથી. જ્યારે તેઓ વિશ્વાસી બન્યા, દેવે તેઓનાં હ્રદયો પવિત્ર બનાવ્યાં. 10 તેથી હવે તમે શા માટે બિનયહૂદિ ભાઈઓની ગરદન પર ભારે બોજ લાદો છો? તમે દેવને ગુસ્સે કરવાના પ્રયત્ન કરી રહ્યા છો? અમે અને અમારા પૂર્વજો તે બોજ વહન કરવા શું પૂરતા સશકત નહોતા! 11 ના, અમને વિશ્વાસ છે કે અમે અને આ લોકો પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામીશું!”

12 પછી આખો સમૂહ શાંત થયો. તેઓએ પાઉલ અને બાર્નાબાસની વાણીને ધ્યાનપૂર્વક સાંભળી. પાઉલ અને બાર્નાબાસે બિનયહૂદિ લોકોની વચમાં દેવ દ્ધારા જે ચમત્કારો તથા અદભૂત પરાક્રમો કર્યા હતા તે બધા વિષે કહ્યું, 13 પાઉલ અને બાર્નાબાસે તેમનું વક્તવ્ય પૂરું કર્યુ. પછી યાકૂબે કહ્યું. તેણે કહ્યું, “મારા ભાઈઓ, મને ધ્યાનથી સાંભળો. 14 સિમોને (પિતર) અમને બતાવ્યું કે બિનયહૂદિ લોકો પર દેવે તેનો પ્રેમ કેવી રીતે દર્શાવ્યો છે. દેવે પ્રથમ વખત જ બિનયહૂદિ લોકોને સ્વીકારીને તેઓને તેઓના લોકો બનાવ્યા. 15 પ્રબોધકોનાં વચનો પણ આ સાથે સુસંગત છે:

16 ‘હુ (દેવ) આ પછી પાછો આવીશ.
    હું દાઉદનું મકાન ફરીથી બાંધીશ.
    તે નીચે પડી ગયેલું છે.
હું તેના મકાનના ભાગોને ફરીથી બાંધીશ.
    જે નીચે ખેંચી કાઢવામાં આવેલ છે. હું તે મકાન ફરીથી બાંધીશ.
17 પછી બીજા બધા બાકીના લોકો પ્રભુને શોધશે.
    બધા જ બિનયહૂદિ લોકો પણ મારા લોકો છે.
પ્રભુએ આ કહ્યુ છે.
    અને પ્રભુ જે આ બધું કરે છે તે આ એક કહે છે.’(A)

18 ‘દુનિયાના આરંભથી આ વસ્તુઓ પ્રગટ થયેલ છે.’

19 “તેથી હું વિચારું છું કે આપણે બિનયહૂદિ ભાઈઓ જે દેવ તરફ વળ્યા છે તેઓને હેરાન ન કરીએ. 20 તેને બદલે, આપણે તેઓને પત્ર લખવો જોઈએ. આપણે તેઓને આ બાબતો કહેવી જોઈએ:

મૂર્તિઓને ધરાવેલો ખોરાક તેઓએ ખાવો નહિ. આનાથી ખોરાક અશુદ્ધ બને છે.

કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ.

લોહીવા ચાખો (ખાઓ) નહિ. ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાઓ નહિ.

21 તેઓએ આ બાબતો કરવી જોઈએ નહિ, કારણ કે આજે પણ દરેક શહેરમાં હજી એવા માણસો (યહૂદિઓ) છે જેઓ મૂસાના નિયમશાસ્ત્રનો બોધ આપે છે. ઘણા વર્ષોથી પ્રત્યેક વિશ્રામવારે સભાસ્થાનોમાં મૂસાના વચનો વાંચવામાં આવે છે.”

બિનયહૂદિ વિશ્વાસીઓ પર પત્ર

22 પ્રેરિતો, વડીલો અને સમગ્ર મંડળીના સભ્યોની ઈચ્છા પાઉલ અને બાર્નાબાસ સાથે કેટલાક લોકોને અંત્યોખ મોકલવાની હતી. તે સમૂહે તેઓના પોતાના કેટલાક માણસો પસંદ કરવાનો નિર્ણય કર્યો. તેઓએ યહૂદા (બર્સબા કહેવાય છે) અને સિલાસને પસંદ કર્યા. યરૂશાલેમમાં આ ભાઈઓનું બહુમાન કરવામાં આવ્યું. 23 તે સમૂહે આ માણસો સાથે પત્ર મોકલ્યો. પત્રમાં કહ્યું છે:

યરૂશાલેમમાં વસતા પ્રેરિતો, વડીલો અને તમારા ભાઈઓ

તરફથી અંત્યોખ, સિરિયા અને કિલીકિયાની મંડળીના બિનયહૂદિઓમાંથી ખ્રિસ્તના શિષ્યો થયેલા ભાઈઓને કુશળતા:

વહાલા ભાઈઓ,

24 અમે સાંભળ્યું છે કે અમારા સમૂહમાંથી કેટલાક માણસો તમારી પાસે આવ્યા છે. તેઓએ જે વાતો કહી તેનાથી તમે હેરાન થયા છો અને વ્યગ્ર થયા છો. પણ અમે તેઓને આમ કહેવાનું કહ્યું નથી! 25 અમે બધા કેટલાક માણસોને પસંદ કરીને તમારી પાસે મોકલવા માટે સંમત થયા છીએ, તેઓ અમારા પ્રિય મિત્રો પાઉલ અને બાર્નાબાસ સાથે રહેશે. 26 પાઉલ અને બાર્નાબાસે તેઓના જીવનો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં સમર્પિત કર્યા છે. 27 તેથી અમે યહૂદા અને સિલાસને તેઓની સાથે મોકલ્યા છે. તેઓ તમને એ જ વાતો મૌખિક રીતે રહેશે. 28 પવિત્ર આત્માને તથા અમને પણ તે સારું લાગ્યું છે કે જરુંરિયાત કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ. તમારે આ બાબતો કરવાની જરુંર છે:

29 એટલે કે, મૂર્તિઓને ધરાવવામાં આવેલ ખોરાકને ખાઓ નહિ. આ ખોરાકને અશુદ્ધ બનાવે છે.

લોહીને ચાખો નહિ. ગૂંગળાવીને મારી નાંખેલા પશુઓને ખાશો નહિ.

કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ.

જો આ બધી વસ્તુઓથી તમે દૂર રહેશો તો તમારું ભલું થશે.

હવે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.

30 તેથી પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસે યરૂશાલેમ છોડયું. તેઓ અંત્યોખ પહોંચ્યા. અંત્યોખમાં તેઓએ વિશ્વાસીઓને સમૂહ ભેગો કર્યો અને તેઓને પત્ર આપ્યો. 31 જ્યારે વિશ્વાસીઓએ પત્ર વાંચ્યો, તેઓને આનંદ થયો. તે પત્રથી તેઓને દિલાસો મળ્યો. 32 યહૂદા અને સિલાસ પણ પ્રબોધકો હતા. તેઓએ ભાઈઓને મદદ કરવા ઘણી વાતો કહી અને તેઓને વધારે મજબૂત બનાવ્યા. 33 થોડો સમય ત્યાં યહૂદા અને સિલાસ રહ્યા અને પછી તેઓ છોડીને ગયા. તેઓએ ભાઈઓ પાસેથી શાંતિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. યહૂદા અને સિલાસ યરૂશાલેમમાં જેઓએ તેમને મોકલ્યા હતા તે ભાઈઓ પાસે પાછા ગયા. [34 પણ સિલાસે ત્યાં જ રહેવાનું નક્કી કર્યુ.][a]

35 પરંતુ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા. તેઓ બીજા ઘણાની સાથે બોધ કરતા રહ્યા અને લોકોને પ્રભુના વચનનું શિક્ષણ આપતા રહ્યાં.

પાઉલ અને બાર્નાબાસનું છૂટા પડવું

36 થોડા દિવસો પછી. પાઉલે બાર્નાબાસને કહ્યું, “આપણે પ્રભુની વાત ઘણા શહેરોમાં પ્રગટ કરી છે. આપણે તે બધા શહેરમાં ભાઈઓ અને બહેનોની મુલાકાત લઈને તેઓ કેમ છે તે જોવા પાછા જવું જોઈએ.”

37 યોહાન માર્ક ને તેઓની સાથે લેવાની ઈચ્છા બાર્નાબાસની હતી. 38 પરંતુ તેઓની પ્રથમ યાત્રામાં યોહાન માર્કે તેઓને પમ્ફુલિયામાં છોડી દીધા. તેણે તેઓની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું નહિ. તેથી પાઉલે તેને સાથે લઈ જવો એ સારો વિચાર છે એમ માન્યું નહી. 39 પાઉલ અને બાર્નાબાસને આ બાબતમાં તીવ્ર મતભેદ થયા. તેઓ જુદા પડ્યા અને જુદા જુદા રસ્તે ગયા. બાર્નાબાસે સૈપ્રત તરફ વહાણ હંકાર્યુ અને માર્કને તેની સાથે લીધો.

40 પાઉલે તેની સાથે જવા સિલાસની પસંદગી કરી. અંત્યોખના ભાઈઓએ પાઉલને દેવની કૃપાને સોંપ્યા પછી તેને બહાર મોકલ્યો. 41 પાઉલ અને સિલાસ સિરિયા તથા કિલીકિયાના શહેરમાં થઈને મંડળીઓને વધારે મજબૂત બનાવવામાં સહાયરૂપ થતાં ગયાં.

યર્મિયા 24

અંજીર સંબંધી યર્મિયાનું દર્શન

24 યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર કોન્યાહને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે દેશ નિકાલ કર્યો અને તેને યહૂદિયાના સરદારો તથા સુથારી અને લુહારી કામનાં નિપૂણ કારીગરોને બાબિલમાં બંદીવાસમાં મોકલી દીધા, પછી યહોવાના મંદિરની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાએ મને દેખાડી. યરૂશાલેમમાં મંદિરની સામે અંજીરની ભરેલી બે ટોપલીઓ મેં જોઇ, એક ટોપલીમાં તાજાં અને હમણાંજ પાકેલા અંજીર હતા. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલા અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.

પછી યહોવાએ મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?”

મેં ઉત્તર આપ્યો, “અંજીર, તેમાનાં કેટલાક બહુ સારા છે અને કેટલાંક ખૂબજ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”

ત્યારે યહોવાએ મને કહ્યું, આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે. “યહૂદિયામાંથી જે લોકો દેશવટે ગયા છે. જેમને મેં અહીંથી બાબિલમાં દેશવટે મોકલી આપ્યા છે તેમને હું આ સારાં અંજીર જેવા સારા માનું છું. તેઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તેવું હું કરીશ અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. તેઓને સહાય કરીશ અને તેઓને હાની થશે નહિ, હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહિ. હું તેમને બુદ્ધિ આપીશ, જેથી તેઓ મને ઓળખે કે હું યહોવા છું. પછી તેઓ મારા લોકો થશે અને હું તેમનો દેવ થઇશ; કારણ, તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.

“પણ યહૂદિયાના રાજા સિદકિયા તો ખાઇ ન શકાય તેવા સડેલા અંજીર જેવો હશે. સિદકિયા, અને તેના ઉચ્ચ અમલદારો અને યરૂશાલેમમાંના બાકીના લોકોને, જેઓ આ દેશમાં જ રહ્યાં હોય કે યહૂદિયાના તે બધાં લોકો જેઓ મિસરમાં રહેતા હોય, એ બધા ખવાય પણ નહિ એવા ખરાબ અંજીર જેવા હશે. હું તે લોકોને સજા કરીશ તેમને થયેલી સજા જોઇને પૃથ્વીના બધા લોકો થથરી જશે, લોકો યહૂદિયાના લોકોની ઠેકડી ઉડાવશે, લોકો તેમના વિષે મજાક મશ્કરી કરશે અને મેં તેમને જ્યાં જ્યાં વિખેરી નાખ્યાં છે ત્યાં લોકો તેમને શાપ આપશે. 10 હું તેમના પર તરવાર, ભૂખમરો અને રોગચાળો મોકલીશ. તેઓ જ્યાં સુધી નષ્ટ ન થઇ જાય ત્યાં સુધી હું તેમના પર ત્રાટકીશ પછી તેઓનું અસ્તિત્વ ભૂમિ પરથી મટી જશે જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.”

માર્ક 10

ઈસુનો છુટાછેડાનો ઉપદેશ

(માથ. 19:1-12)

10 પછી ઈસુએ તે જગ્યા છોડી. તે યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં ગયો. ફરીથી ઘણા લોકો તેની પાસે આવ્યા. ઈસુ હંમેશા કરતો હતો, તેવી રીતે લોકોને ઉપદેશ આપ્યો.

કેટલાક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા. તેઓએ ઈસુ કઈક ખોટુ કહે તે માટે પ્રયત્નો કર્યા. તેઓએ ઈસુને પૂછયું, “પોતાની પત્નીને છૂટાછેડા આપવા તે માણસ માટે યોગ્ય છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “મૂસાએ તમને શું કરવા હુકમ કર્યો હતો?”

તે ફરોશીઓએ કહ્યું, “મૂસાએ છૂટાછેડાનું પ્રમાણપત્ર લખ્યા પછી તેની પત્નીથી છૂટાછેડા લેવાની માણસને પરવાનગી આપી છે.”

ઈસુએ કહ્યું, “મૂસાએ તે આજ્ઞા તમારા માટે લખી છે કારણ કે તમે દેવના ઉપદેશને સ્વીકારવાની ના પાડી. પરંતુ જ્યારે દેવે દુનિયા બનાવી, ‘તેણે તેઓમાં નર અને નારીનું સર્જન કર્યું.’ ‘તેથી માણસ તેના માતાપિતાને છોડીને તેની પત્ની સાથે જોડાશે. અને બે જણ એક બનશે.’ તેથી તેઓ બે નથી પણ એક છે. દેવે તે બેને સાથે જોડ્યા છે. તેથી કોઈ વ્યક્તિએ તેઓને છૂટા નહિ પાડવા જોઈએ.”

10 પાછળથી તે શિષ્યો અને ઈસુ ઘરમાં હતા. તે શિષ્યોએ ફરીથી ઈસુને છૂટાછેડાના પ્રશ્ર વિષે પૂછયું. 11 ઈસુએ ઉત્તર આપ્યો, “કોઈ પણ વ્યક્તિ જે તેની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રીને પરણે છે. તે તેની પત્ની વિરૂદ્ધ પાપમાં દોષિત છે. તે વ્યભિચારના પાપ માટે ગુનેગાર છે. 12 અને જે સ્ત્રી પોતાના પતિને છૂટાછેડા આપે છે અને બીજા પુરુંષને પરણે છે ત્યારે તે પણ વ્યભિચાર માટે દોષિત છે.”

ઈસુનો બાળકોનો સ્વીકાર

(માથ. 19:13-15; લૂ. 18:15-17)

13 લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં. તેથી તેઓને સ્પર્શી શકે. પરંતુ શિષ્યોએ લોકોને તેમના બાળકોને ઈસુ પાસે લાવતા અટકાવ્યા. 14 ઈસુએ શું બન્યું તે જોયું. તેના શિષ્યોએ બાળકોને નહિ આવવા માટેનું કહેવું તેને ગમ્યું નહિ. ઈસુએ તેઓને કહ્યું, “નાનાં બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ. કારણ કે દેવનું રાજ્ય એ લોકોનું છે જેઓ આ નાનાં બાળકો જેવાં છે. 15 હું તમને સાચું કહું છું, તમારે દેવના રાજ્યનો સ્વીકાર, એક નાનું બાળક વસ્તુઓ સ્વીકારે છે તેવી રીતે કરવો જોઈએ. નહિ તો તમે કદાપિ તેમાં પ્રવેશ કરશો જ નહિ.” 16 પછી ઈસુએ બાળકોને તેના બાથમાં લીધા. ઈસુએ તેઓના પર હાથ મૂકી તેઓને આશીર્વાદ દીધો.

એક ધનવાનની ઈસુને અનુસરવાની ના

(માથ. 19:16-30; લૂ. 18:18-30)

17 ઈસુએ વિદાય થવાની શરુંઆત કરી. પરંતુ એક માણસ દોડતો આવ્યો અને ઈસુની આગળ તેના ઘૂંટણે પડ્યો, તે માણસે પૂછયું, “ઉત્તમ ઉપદેશક, અનંતજીવન મેળવવા મારે શું કરવું જોઈએ?”

18 ઈસુએ ઉત્તર આપ્યો, “તું મને ઉત્તમ શા માટે કહે છે? કોઈ વ્યક્તિ ઉત્તમ નથી. ફક્ત દેવ જ ઉત્તમ છે. 19 પણ હું તારા પ્રશ્નનો ઉત્તર આપીશ. તું આજ્ઞાઓ જાણે છે: ‘તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ, તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ, તારે ચોરી કરવી જોઈએ નહિ, તારે તારા માબાપને માન આપવું જોઈએ.’(A)

20 તે માણસે કહ્યું, “ઉપદેશક, હું બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓનું પાલન કરું છું.”

21 ઈસુએ તે માણસ સામે જોયું. ઈસુને તેના પર હેત આવ્યું. ઈસુએ કહ્યું, “તું એક વાત સબંધી અધૂરો છે. જા અને તારી પાસે જે બધું છે તે વેચી નાખ. પૈસા ગરીબ લોકોને આપ. તને આકાશમાં તેનો બદલો મળશે. પછી આવ અને મને અનુસર.”

22 ઈસુને આમ કહેતા સાંભળીને તે માણસનો ચહેરો ફીક્કો પડી ગયો. અને તે વિદાય થયો. તે માણસ દુ:ખી હતો કારણ કે તે ઘણો પૈસાદાર હતો અને તેના પૈસા રાખવા ઈચ્છતો હતો.

23 પછી ઈસુએ તેના શિષ્યો તરફ જોયું અને તેઓને કહ્યું, “ધનવાન વ્યક્તિઓ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું ઘણું મુશ્કેલ હશે!”

24 ઈસુએ જે કહ્યું તેથી શિષ્યો આશ્ચર્યચકિત થયા. પણ ઈસુએ ફરીથી કહ્યું, “મારાં બાળકો, દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું કઠિન છે! 25 અને પૈસાદાર માણસો માટે દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું મુશ્કેલ બનશે. સોયના નાકામાંથી પસાર થવું ઊંટના માટે સહેલું બનશે!”

26 તે શિષ્યો વધારે નવાઇ પામ્યા હતા અને એકબીજાને કહ્યું, “તો કોણ તારણ પામી શકે?”

27 ઈસુએ શિષ્યો તરફ જોયું અને કહ્યું, “આ કઈક એવું છે જે લોકો તેમની જાતે કરી શકે નહિ, તે દેવ પાસેથી આવવું જોઈએ. દેવ બધી વસ્તુઓ કરી શકે છે.”

28 પિતરે ઈસુને કહ્યું, “અમે તને અનુસરવા બધુંજ છોડી દીધું!”

29 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, પ્રત્યેક વ્યક્તિ જેણે તેનું ઘર, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરોને મારી સુવાર્તા માટે છોડ્યા છે, 30 તેઓએ જેટલું છોડ્યું છે તેના કરતાં સોગણું વધારે મેળવશે. અહીં આ દુનિયામાં તે વ્યક્તિ વધારે ઘરો, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરો મેળવશે અને તે વસ્તુઓ સાથે તે વ્યક્તિની સતાવણી થશે. પણ આવનાર દુનિયામાં તેને બદલો મળશે. તે બદલો અનંતજીવન છે. 31 ઘણા લોકો જેની પાસે હાલમાં ઊંચામાં ઊંચી જગ્યા છે, તેમની પાસે ભવિષ્યમાં નીચામાં નીચી જગ્યા હશે. અને જે લોકો પાસે હાલમાં નીચામાં નીચી જગ્યા છે તેઓ ભવિષ્યમાં ઊંચામાં ઊંચી જગ્યા મેળવશે.”

ઈસુ ફરીથી તેના મૃત્યુ વિષે કહે છે

(માથ. 20:17-19; લૂ. 18:31-34)

32 ઈસુ અને તેની સાથેના લોકો યરૂશાલેમ જતા હતા. ઈસુ લોકોને દોરતો હતો. ઈસુના શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. પણ પેલા લોકો જે તેની પાછળ આવતા હતા તેઓ બીતાં હતા. ઈસુએ ફરીથી બાર પ્રેરિતોને ભેગા કર્યા. અને તેઓની સાથે એકલા વાત કરી. ઈસુએ યરૂશાલેમમાં શું થશે તે તેઓને કહ્યું. 33 ઈસુએ કહ્યું, “આપણે યરૂશાલેમ તરફ જઈએ છીએ. માણસના દિકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. યાજકો અને શાસ્ત્રીઓ કહેશે કે માણસના દિકરાએ મરવું જોઈએ. તેઓ બિનયહૂદિ લોકોને માણસનો દિકરા સોંપશે. 34 તે લોકો તેની મશ્કરી કરશે અને તેના પર થૂંકશે, તેઓ તેને ચાબૂકથી મારશે અને તેને મારી નાખશે. પરંતુ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે પાછો ઊઠશે.”

યાકૂબ અને યોહાનની માગણી

(માથ. 20:20-28)

35 પછી ઝબદીનો દીકરો યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવે છે. તેઓએ કહ્યું, “ઉપદેશક, અમે તને અમારા માટે કશુંક કરવાનું કહેવાની ઈચ્છા રાખીએ છીએ.”

36 ઈસુએ પૂછયું, “તમે મારી પાસે શું કરાવવા ઈચ્છો છો?”

37 પુત્રોએ ઉત્તર આપ્યો, “તું તારા મહિમામાં અમારામાંના એકને તારી જમણી બાજુ બેસવા દે અને એકને તારી ડાબી બાજુ બેસવા દે.”

38 ઈસુએ કહ્યું, “તમે જે માગો છો તે તમે સમજી શકતા નથી. મારે જે પીડા સહન કરવાની છે તેવી તમે સ્વીકારી શકશો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લઈ શકશો?”

39 પુત્રોએ ઉત્તર આપ્યો, “હા અમે કરી શકીશું.”

ઈસુએ પુત્રોને કહ્યું, “હું જે સહન કરીશ તે રીતે તમારે સહન કરવું પડશે. હું જે રીતે બાપ્તિસ્મા પામીશ તેવી જ રીતે તમારું બાપ્તિસ્મા થશે. 40 પણ મારી જમણી કે ડાબી બાજુમાં બેસવાનો અધિકાર આપનાર વ્યક્તિ હું નથી. ત્યાં કેટલાએક લોકો છે તેઓને પેલી જગ્યાઓ મળશે. પેલી જગ્યાઓ તેમના માટે તૈયાર કરવામાં આવી છે.”

41 બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું. તેઓ યાકૂબ અને યોહાન પર ગુસ્સે થયા. 42 ઈસુએ બધા શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ કહ્યું, “બિનયહૂદિ લોકો પાસે માણસો છે તેઓ શાસકો કહેવાય છે. તું જાણે છે કે પેલા શાસકો લોકો પર તેમનું ધણીપણું બતાવવા ઈચ્છે છે અને તેમના આગેવાનો લોકો પર તેઓની બધી સત્તાનો ઉપયોગ કરવા ઈચ્છે છે. 43 પણ તમારી સાથે તે રીતે ન થવું જોઈએ. તમારામાંથી કોઈ મહાન થવા ઈચ્છતું હોય તો પછી તેણે સેવકની જેમ તમારી સેવા કરવી જોઈએ. 44 જો તમારામાંથી કોઈ એક સૌથી વધારે મહત્વનો થવા ઈચ્છે તો પછી તેણે તમારા બધાની એક દાસની જેમ સેવા કરવી. 45 તે જ રીતે, માણસનો પુત્ર બીજા લોકો પાસે તેની સેવા કરાવવા આવ્યો નથી. પરંતુ માણસનો પુત્ર બીજા લોકોની સેવા કરવા માટે આવ્યો છે. માણસનો પુત્ર ઘણા લોકોને બચાવવા તેનું જીવન સમર્પિત કરવા આવ્યો છે.”

એક આંધળા માણસને ઈસુનું સાજા કરવું

(માથ. 20:29-34; લૂ. 18:35-43)

46 પછી તેઓ યરેખોના ગામમાં આવ્યા. ઈસુ તેના શિષ્યો અને બીજા ઘણા લોકો સાથે તે ગામની વિદાય લેતા હતા. બર્તિમાય નામનો એક આંધળો માણસ (તિમાયનો પુત્ર) રસ્તાની બાજુમાં બેઠો હતો. આ માણસ હંમેશા પૈસાની ભીખ માંગતો હતો. 47 આંધળા માણસે સાંભળ્યું કે નાઝરેથનો ઈસુ બાજુમાંથી પસાર હતો. તે આંધળા માણસે બૂમ પાડી, “ઈસુ, દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”

48 ઘણા લોકોએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને નહિ બોલવા કહ્યું. પરંતુ આંધળો માણસ વધારે ને વધારે બૂમો પાડવા લાગ્યો. “દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”

49 ઈસુ ઊભો રહ્યો અને કહ્યું, “તે માણસને અહીં આવવા કહો.”

તેથી તેઓએ આંધળા માણસને બોલાવ્યો. તેઓએ કહ્યું, “હિમ્મત રાખ! ઊભો થા! ઈસુ તને બોલાવે છે.” 50 આંધળો માણસ ઝડપથી ઊભો થયો. તેણે તેનો ડગલો ત્યાં મૂક્યો અને ઈસુ તરફ ગયો.

51 ઈસુએ માણસને પૂછયું, “મારી પાસે તું શું કરવાની ઈચ્છા રાખે છે?”

આંધળો માણસ બોલ્યો, “ઉપદેશક, મારી ઈચ્છા ફરી દેખતા થવાની છે.”

52 ઈસુએ કહ્યું, “જા, તું તારા વિશ્વાસને કારણે સાજો થઈ ગયો છે.” પછી તે માણસ ફરીથી દેખતો થયો. તે રસ્તામાં ઈસુને અનુસર્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International