Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યહોશુઆ 20-21

સલામતીના નગરો

20 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, ઇસ્રાએલના લોકોને તું કહે કે, “યહોવાએ મૂસા માંરફતે તમને જે કહ્યું હતું તે મુજબ સલામતીના નગરો સ્થાપિત કરવાનાં છે. અને જો ત્યાં કોઈ માંણસે અકસ્માંતથી કે અજાણતાં કોઈનું ખૂન કર્યું હોય તો આનગરો તેમના માંટે ખૂનીના સગાઓથી છુપાવા માંટેનું આશ્રય સ્થાન બની રહેશે, જેથી જેઓ ખૂનીને માંરી નાખવા માંગતા હોય, તેનાથી રક્ષણ પામી શકે.

“જ્યારે આવો માંણસ આ શહેરમાંથી કોઈ એકમાં આશરો લે, તે તેણે નગર દ્વાર પાસે ઉભા રહેવું અને શું બન્યું તે આગેવાનોને કહેવું અને તેઓ તેને શહેરમાં રહેવા પરવાનગી આપશે અને તેને જગ્યા આપશે. જો બદલો લેવા માંગનાર વ્યક્તિ પણ તેનો પીછો તે શહેર તરફ કરે, તો શહેરના લોકોએ ખૂનીને તેના હાથમાં ન સોંપવો. કારણકે એણે ઈરાદા વગર પેલા માંણસનું ખૂન કર્યુ એને તેની સાથે વેર નહોતું. હત્યાનો ન્યાય સમુદાયની સમક્ષ સંભળવવામાં આવશે અને જ્યાં સુધી તેઓ ઠરાવ પસાર કરે, તે વ્યક્તિએ શહેરમાં રહેવું. વડા યાજકના અવસાન પછી તે માંણસ પોતાના તે નગરમાં પાછો ફરી શકે છે, જયાંથી તે ભાગી આવ્યો હતો.”

આથી તેઓએ આ શહેરોને “સુરક્ષિતનગરો” તરીકે જુદા પાડ્યા: નફતાલીના ડુંગરાળ દેશ ગાલીલમાં આવેલું કેદેશ એફ્રાઈમના ડુંગરાળ દેશમાં આવેલું શેખેમ, અને યહૂદાના ડુંગરાળ દેશમાં આવેલું કિર્યાથ-આર્બા (એટલે કે હેબ્રોન). યર્દનની બીજી બાજુએ, યરીખોની પૂર્વે રણમાં રૂબેનના પ્રદેશમાં આવેલુ બેશેર શહેર તેમણે પસંદ કર્યુ, બીજુ શહેર હતું ગાદની ભૂમિમાં આવેલુ ગિલયાદમાં આવેલું રામોથ, અને મનાશ્શાની ભૂમિ બાશાનમાં આવેલું ગોલાન શહેર.

બધા ઇસ્રાએલીઓ અને તેમની સાથે વિદેશીઓને આ સુરક્ષા માંટે નક્કી કરવામાં આવેલ નગરોમાં આશ્રય લેવાની રજા આપવામાં આવી હતી. કોઈ પણ માંણસે ભૂલમાં કોઈનું ખૂન કર્યુ હોય તો તે વ્યક્તિ આશ્રય લઈ શકે. પછી ખૂની સુરક્ષિત હશે, તેનું ખૂન બદલો લેનાર વ્યક્તિ દ્વારા નહિ થાય. પછી સમુદાય સમક્ષ તેનો ન્યાય થશે.

યાજકો અને લેવીઓનાં નગરો

21 ત્યારબાદ લેવી કુળસમૂહના કુટુંબ શાશકોએ કનાન દેશમાં શીલોહમાં યાજક એલઆજાર અને નૂનના પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલના બધા કુળસમૂહનાં કુટુંબોના આગેવાનો સાથે વાત કરવા ગયા. આ કનાનની ભૂમિમાં શીલોહનાં શહેરમાં બન્યું. લેવી શાશકોએ તેમને કહ્યું, “યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી. તેણે આજ્ઞા આપેલી કે તું અમને રહેવા શહેરો આપ. અને તેણે આજ્ઞા આપેલી કે તું અમને ખેતરો આપ જ્યાંથી અમાંરા પ્રાણીઓ ખાઈ શકે.” આથી યહોવાની આજ્ઞાનુસાર ઇસ્રાએલીઓએ પોતાના પ્રદેશમાંથી લેવીઓને આ પ્રમાંણેનાં શહેરો અને ગૌચરો આપ્યાં:

કહાથનું કુટુંબ યાજક હારુન જે લેવી કુળસમૂહનો હતો, તેના વંશજો હતા. કહાથ કુટુંબના થોડા ભાગને 13 નગરો આપવામાં આવ્યાં હતાં જે પ્રદેશ યહૂદા, શિમયોન તથા બિન્યામીન કુળસમૂહઓની માંલિકીનો હતો.

બાકીના કહાથ કુટુંબના લોકોને એફ્રાઈમ, દાન અને અર્ધા મનાશ્શાની કુળસમૂહના માંલિકીના પ્રદેશમાંથી દસ શહેરો આપવામાં આવ્યાં.

ગેર્શોનના કુટુંબના લોકોને ઈસ્સાખાર, આશેર, નફતાલી અને બાશાનમાંના અર્ધા મનાશ્શાની માંલિકીની ભૂમિમાંથી તેર નગરો આપવામાં આવ્યાં.

મરારીના કુટુંબના લોકોને રૂબેન, ગાદ અને ઝબુલોનની ટોળીઓની માંલિકીની ભૂમિમાંથી બાર શહેરો આપવામાં આવ્યાં.

આ રીતે ઇસ્રાએલીઓને યહોવાએ મૂસા માંરફતે જણાવ્યા મુજબ ચિઠ્ઠીઓ નાખીને લેવીઓને આ નગરો અને તેનાં ગૌચરો ફાળવી આપ્યાં.

તેઓએ આપેલા શહેરો યહૂદા અને શિમયોનની ટોળીઓ પાસેથી મેળવ્યાં: 10 કહાથ કુટુંબના લેવીઓને શહેરોનો પહેલો ભાગ આપવામાં આવ્યો હતો. 11 તેમને યહૂદાના ડુંગરાળ પ્રદેશમાં આવેલું કિર્યાથ-આર્બા અનાકના બાપનું નગર. એટલે કે હેબ્રોન અને તેની આજુબાજુનો ગૌચર પ્રદેશ મળ્યો. 12 પણ એ શહરેનાં અને તેના ગામડાઓનાં ખેતરો યફૂન્નેહના પુત્ર કાલેબને અપાયાં હતા. 13 હારુનના વંશજોને હેબ્રોન સુરક્ષાનું શહેર અને તેનો ગૌચર મળ્યો. તેમને આ બધાં શહેરો પણ મળ્યાં: લિબ્નાહ, 14 યાત્તીર, એશ્તમોઆ, 15 હોલોન, દબીર, 16 આયિન, યૂટ્ટાહ, અને બેથ-શેમેશ તેમનાં બધાં ગૌચર સહિત; આ વે કુળસમૂહોમાંથી તેઓએ નવ શહેરો આપ્યા.

17 બિન્યામીનના કુળસમૂહના ભાગમાંથી તેમણે વંશજો સહિત ચાર શહેરો આપ્યા: ગિબયોન, ગેબા, 18 અનાથોથ અને આલ્મોન: 19 આમ, હારુનના વંશજ યાજકોને ગૌચર સહિત કુલ તેર નગરો આપવામાં આવ્યાં હતાં.

20 લેવી કુળસમૂહના બાકીના કહાથી કુટુંબોને એફ્રાઈમ કુળસમૂહના શહેરો આપવામાં આવ્યાં હતાં. 21 એફ્રાઈમના ડુંગરાળ પ્રદેશમાં તેઓને શખેમ સુરક્ષાનું શહેર[a] અને તેનું ગેઝેરને તેનાં ગૌચર, 22 કિબ્સાઈમ અને બેથ-હોરોન: ગૌચરો સહિત ચાર શહેરો.

23 દાનના કુળસમૂહ તરફથી તેમને એલ્તકે, ગિબ્બથોન, આયાલોન, 24 અને ગાથ-રિમ્મોન એ ચાર નગરો, ગૌચરો સહિત આપ્યાં.

25 મનાશ્શાના અડધા કુળસમૂહે તેમને આપ્યું: નાઅનાખ અને ગાથ-રિમ્મોન આ બે નગરો ગૌચરો સહિત અપાયાં હતાં. 26 આમ, કહાથના બાકીના કુટુંબને દસ નગરો ગૌચરો સહિત આપવામાં આવ્યાં.

27 લેવીઓની ટોળીમાંના ગેર્શોનીઓના કુટુંબને આપેલ શહેરો આપવામાં આવ્યાં હતાં. મનાશ્શાના અર્ધા વંશના ભાગમાંથી બે નગરો: બાશાન પ્રાંતમાંનું ગોલાન (સુરક્ષાનું શહેર) અને બએશ્તરાહ તેના ગેર્શોન સહિત. અને તેની સાથે ગૌચરો પણ અપાયા હતાં.

28 ઈસ્સાખારના કુળસમૂહ તરફથી તેમને કિશ્યોન, દાબરા 29 યાર્મૂથ અને એન-ગાન્નીમ એ ચાર નગરો ગૌચરો સહિત મળ્યાં.

30 આશેરના કુટુંબ તરફથી તેમને મિશઆલ, આબ્દોન, 31 હેલ્કાથ અને રહોબ એ ચાર નગરો ગૌચરો સહિત પ્રાપ્ત થયા.

32 નફતાલીના કુળસમૂહ તરફથી તેમને મળ્યા: ગાલીલ માંનું કેદેશ (કેદેશ સુરક્ષાનું નગર હતું) અને હામ્મોથ-દોર અને કાર્તાન તેમના ગૌચરો સહિત-એમ ત્રણ નગરો મળ્યાં.

33 ગેર્શોનના કુટુંબને એકદરે ગૌચરો સહિત કુળ તેર નગરો મળ્યાં.

34 લેવી સમૂહના બીજા સમૂહને મરારી ઝબુલોનની ટોળીઓ દ્વારા યોકનઆમ, કાર્તાહ, તેમના ગૌચરો સહિત મળ્યાં હતાં. 35 દિમ્નાહ અને નાહલાહ એ ચાર નગરો ગૌચરો સહિત પ્રાપ્ત થયા. 36 રૂબેનના કુળસમૂહ દ્વારા તેમને બેસેર, યાહાસ, તેમના ગૌચર સાથે મળ્યાં. 37 કદેમોથ, અને મેફાઆથ એ ચાર નગરો ગૌચરો સહિત મળ્યાં. 38 ગાદના કુળસમૂહો તરફથી તેમને ગિલયાદમાં આવેલું રામોથ (રામોથ એક સુરક્ષાનું શહેર છે) તેમજ માંહનાઈમ અને તેના ગૌચર ભૂમિ મળ્યાં. 39 હેશ્બોન અને યાઝેર એમ ગૌચર સહિત કૂલ ચાર નગરો પ્રાપ્ત થયાં.

40 આમ, મરારીનાં કુટુંબોને ચિઠ્ઠી દ્વારા 12 શહેરો આપવામાં આવ્યાં. જેઓ લેવીઓના બાકી રહેલા કુટુંબો હતાં.

41 આમ લેવીઓને કુલ 48 નગરો ગૌચર ભૂમિ સહિત મળ્યાં, આ શહેરો જે પ્રદેશમાં હતાં તે ઇસ્રાએલીઓના કુળસમૂહની માંલિકીનાં હતાં. 42 એ બધાં નગરોની ફરતે ચારે તરફ ગૌચર હતાં.

43 આમ યહોવાએ ઇસ્રાએલીઓને સર્વ પ્રદેશ આપી દીધો જે તેણે તેઓને આપવાનું તેઓના પિતૃઓને વચન આપ્યું હતું તેઓ આવ્યાં અને તેની માંલિકી લીધી અને ત્યાં સ્થાયી થયાં. 44 આમ યહોવાએ ઇસ્રાએલને તેઓનાં પૂર્વજોને આપેલાં વચન પ્રમાંણે તેમના દેશની ચારે દિશાઓથી સુરક્ષા આપી. તેમના શત્રુઓ તેમના પર આક્રમણ કરી શક્યા નહિ અને તેઓ સુરક્ષિત હતાં. કારણ કે યહોવાએ તેમના બધાજ શત્રુઓને તેઓના હાથમાં સોંપી દીધા હતાં. 45 યહોવાએ ઇસ્રાએલી લોકોને આપેલાં દરેક શુભ વચનો પાળ્યાં, દરેક વચન ફળીભૂત થયું.

પ્રેરિતોનાં કૃત્યો 1

લૂક બીજુ પુસ્તક લખે છે

વહાલા થિયોફિલ,

મેં પ્રથમ પુસ્તક ઈસુએ જે કંઈ કર્યુ અને શીખવ્યું તે દરેક બાબતો વિષે લખ્યું છે. મેં ઈસુના જીવનના આરંભથી તેને જે દિવસથી આકાશમાં લઈ લેવામાં આવ્યો ત્યાં સુધીના સમગ્ર જીવન વિષે લખ્યું છે. આ બનતાં પહેલાં, ઈસુએ પોતે પસંદ કરેલા પ્રેરિતો સાથે વાત કરી. પવિત્ર આત્માની સહાયથી ઈસુએ પ્રેરિતોને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું. આ ઈસુના મૃત્યુ પછીની વાત હતી. પણ તેણે પ્રેરિતોને બતાવ્યું કે તે જીવંત છે. ઈસુએ ઘણાં સાર્મથ્યશાળી પરાક્રમો કરીને આ સાબિત કર્યુ. પ્રેરિતોને ઈસુના મૃત્યુમાંથી સજીવન થયા બાદ 40 દિવસ દરમ્યાન ઘણીવાર તેના દર્શન થયાં. ઈસુએ પ્રેરિતોને દેવના રાજ્ય વિષે કહ્યું. એક વખત ઈસુ તેઓની સાથે જમતો હતો, ત્યારે ઈસુએ તેઓને યરૂશાલેમ છોડવાની ના પાડી હતી. ઈસુએ કહ્યું, “તમને બાપે જે વચન આપ્યું છે તે વિષે મેં તમને પહેલાં કહ્યું છે. આ વચન પ્રાપ્ત કરવા માટે અહીં યરૂશાલેમમાં રાહ જુઓ. યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યુ, પણ થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”

ઈસુ આકાશમાં લઈ લેવામાં આવ્યો છે

બધા પ્રેરિતો ભેગા થયા. તેઓએ ઈસુને પૂછયું, “પ્રભુ, શું આ સમય તારા માટે યહૂદિઓને તેઓનું રાજ્ય ફરીથી સોંપવાનો છે?”

ઈસુએ તેઓને કહ્યું, “ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ. પણ પવિત્ર આત્મા તમારી પાસે આવશે. પછી તમે સાર્મથ્ય પ્રાપ્ત કરશો. ત્યારે તમે મારા સાક્ષી થશો-તમે લોકોને મારા વિષે કહેશો. પહેલાં, તમે યરૂશાલેમમાં લોકોને કહેશો. પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા વિશ્વના બધા જ લોકોને કહેશો.”

પ્રેરિતોને આ બાબતો કહ્યા પછી, ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યો. પ્રેરિતોના દેખતાં જ ઈસુ વાદળમાં અદ્ધશ્ય થઈ ગયો, અને તેઓ તેને જોઈ શક્યા નહિ. 10 ઈસુ દૂર જઈ રહ્યો હતો અને પ્રેરિતો આકાશમાં જોઈ રહ્યા હતા. અચાનક, બે શ્વેત વસ્ત્રધારી માણસો તેઓની બાજુમાં આવીને ઊભા. 11 તે બે માણસોએ પ્રેરિતોને કહ્યું, “ઓ ગાલીલના માણસો, તમે અહીં આકાશ તરફ જોતાં શા માટે ઊભા છો? તમે જોયું કે ઈસુને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે. જે રીતે તમે તેને જતાં જોયો તે જ રીતે તે પાછો આવશે.”

એક નવા પ્રેરિતની પસંદગી

12 પછી તે પ્રેરિતો જૈતૂન પર્વત પરથી યરૂશાલેમ પાછા ફર્યા. (આ પર્વત યરૂશાલેમથી લગભગ અડધો માઇલ દૂર છે.) 13 તે પ્રેરિતો શહેરમાં પ્રવેશ્યા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં મેડી પરના ઓરડામાં ગયા. તે પ્રેરિતો હતા, પિતર, યોહાન, યાકૂબ, આંન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, યાકૂબ (અલ્ફીનો દીકરો), સિમોન (ઝલોતસ) તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.

14 બધા પ્રેરિતો ભેગા થયા હતા. તેઓ સતત એક જ હેતુથી પ્રાર્થના કરતાં હતા ત્યાં કેટલીક સ્ત્રીઓ હતી. ઈસુની મા મરિયમ, અને તેના ભાઈઓ પણ ત્યાં પ્રેરિતો સાથે હતા.

15 થોડા દિવસ પછી વિશ્વાસીઓની એક સભા મળી. (ત્યાં તેમાનાં લગભગ 120 હાજર હતા.) પિતરે ઊભા થઈને કહ્યું, 16-17 “ભાઈઓ, શાસ્ત્રવચનોમાં પવિત્ર આત્માએ દાઉદ દ્ધારા કહ્યું કે કંઈક થવાની જરુંર છે. તે આપણા સમૂહમાનાં એક યહૂદા વિષે કહેતો હતો. યહૂદા આપણી સાથે સેવામાં ભાગીદાર હતો. આત્માએ કહ્યું કે ઈસુને પકડવા માટે યહૂદા માણસોને દોરશે.”

18 (યહૂદાને આ દુષ્ટ કામ માટે પૈસા આપવામાં આવ્યા હતા. તેના પૈસા તેના માટે ખેતર ખરીદવામાં વપરાયા. પણ યહૂદા ઊંધે મસ્તકે પટકાયો, અને તેનું શરીર ફાટી ગયું. તેનાં બધાં આંતરડાં બહાર નીકળી ગયાં. 19 યરૂશાલેમના બધા લોકોએ આ વિષે જાણ્યું. તેથી તેઓએ તે ખેતરનું નામ હકેલ્દમા રાખ્યું. તેઓની ભાષામાં હકેલ્દમાનો અર્થ, “લોહીનું ખેતર” થાય છે.)

20 પિતરે કહ્યું, “ગીતશાસ્ત્રના પુસ્તકમાં યહૂદા વિષે આમ લખેલું છે:

‘તેની જમીન નજીક લોકોએ જવું નહિ;
    ત્યાં કોઇએ રહેવું નહિ!’(A)

અને એમ પણ લખેલું છે:

‘તેનું કામ બીજો કોઇ માણસ લે.’(B)

21-22 “તેથી હવે બીજા કોઈ માણસે આપણી સાથે જોડાવું જોઈએ અને ઈસુના પુનરુંત્થાનના સાક્ષી થવું જોઈએ. આ માણસ પેલા માણસોમાંનો એક હોવો જોઈએ. જ્યારે પ્રભુ ઈસુ આપણી સાથે હતો ત્યારે બધા જ સમય દરમ્યાન આપણા સમૂહનો ભાગ હતો, જ્યારથી યોહાને લોકોને બાપ્તિસ્મા આપવાનું શરૂ કર્યુ, ત્યારથી ઈસુને આપણી પાસેથી આકાશમાં લઈ જવાયો ત્યાં સુધી આ માણસ આપણી સાથે હોવો જોઈએ.”

23 પ્રેરિતોએ બે માણસોને સમૂહની આગળ ઊભા કર્યા. એક હતો યૂસફ બર્સબા, તે યુસ્તસના નામથી ઓળખતો અને બીજો માણસ હતો માથ્થિયાસ. 24-25 પ્રેરિતોએ પ્રાર્થના કરી, “પ્રભુ, તું પ્રત્યેક માણસોના મનોને જાણે છે. આ બેમાંથી તું આ કામ કરવા માટે કોને પસંદ કરે છે તે દર્શાવ. યહૂદા ભટકી જઈને જ્યાં જવાનો હતો ત્યાં ગયો. પ્રભુ, કયા માણસે પ્રેરિત તરીકે તેની જગ્યા લેવી જોઈએ તે બતાવ.” 26 પછી પ્રેરિતોએ બેમાંથી એકની પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી. પ્રભુની ઈચ્છાનુસાર માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી. તેથી તે બીજા અગિયારની સાથે પ્રેરિત થયો.

યર્મિયા 10

યહોવા અને દેવ મૂર્તિઓ

10 હે ઇસ્રાએલના લોકો, યહોવા તમને જે સંદેશો આપે છે તે ધ્યાનથી સાંભળો; તે કહે છે,

“બીજી પ્રજાઓને રસ્તે જશો નહિ,
    તેઓ કુંડળી તૈયાર કરે છે તથા ગ્રહોની સ્થિતિને આધારે પોતાનું ભવિષ્ય જુએ છે.
તેઓ ભવિષ્યકથન કરે તેથી ડરશો નહિ.
    કારણ કે તે સર્વ કેવળ જૂઠાણું છે.
તે પ્રજાઓની મૂર્તિઓ કશા કામની નથી,
    તે તો જંગલમાંથી કાપી આણેલું લાકડું છે;
    કારીગરે તેને પોતાના ઓજારોથી કોતરી છે.
અને પછી સોનારૂપાથી શણગારી છે.
    તેને હથોડા અને ખીલાથી જડી દીધી છે,
    જેથી પડી ન જાય.
ખેતરોમાં ઊભા કરેલા અસહાય ચાડિયાની જેમ
    તેઓના દેવ ત્યાં ઊભા રહે છે!
તે બોલી શકતા નથી,
    તે ચાલી શકતા નથી તેથી ઊંચકીને લઇ જવા પડે છે.
આવા દેવોથી ડરશો નહિ,
    તે કશી ઇજા કરી શકે તેમ નથી,
તેમ જ કશું ભલું કરવાની પણ એમની શકિત નથી.”

હે યહોવા, તમારા જેવા બીજા કોઇ દેવ નથી.
    તમે કેવા મહાન છો
    અને તમારા નામનો પ્રતાપ પણ કેવો મહાન છે!
હે લોકાધિપતિ, તમારો ભય કોને નહિ લાગે?
    તમારાથી તો ડરીને જ ચાલવું જોઇએ.
સર્વ પ્રજાઓનાં જ્ઞાનીઓમાં
    અને બધા રાજાઓમાં તમારા જેવું કોઇ નથી.

મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે.
    તેઓ મૂર્તિઓ પાસેથી શિખામણ મેળવે છે જે માત્ર લાકડાનાં ટુકડા છે.
તાશીર્શથી ચાંદી અને ઉફાઝમાંથી
    સોનું લાવીને સોનીઓ એમાંથી વરખ બનાવીને
એને શણગારે છે અને જાંબુડિયાં
    અને કિરમજી રંગના કિંમતી વસ્ત્રો એમને પહેરાવે છે.
    એ બધી મૂર્તિઓ કારીગરોએ બનાવેલી છે.
10 પરંતુ યહોવા તો સાચેસાચ દેવ છે,
    એ જીવતાજાગતા દેવ છે,
    શાશ્વત અધિપતિ છે.
તે જ્યારે રોષે ભરાય છે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે છે;
    પ્રજાઓ એમના ક્રોધાગ્નિને ખમી શકતી નથી.

11 યહોવા કહે છે, અન્ય દેવોની પૂજા કરનારાઓને તમે આ પ્રમાણે કહેજો:
    “જેમણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું નથી,
    તેવા તમારા દેવો આકાશ તળેથી તથા પૃથ્વી પરથી નાશ પામશે.”

12 પરંતુ આપણા દેવે પોતાના સાર્મથ્યથી પૃથ્વીને ઉત્પન કરી,
    પોતાના ડાહપણથી પૃથ્વીને સ્થાપી,
    પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યુ.
13 તોફાની વાદળોની ગર્જનાઓથી
    તેમના અવાજનો પડઘો પડે છે,
તે ધુમ્મસને પૃથ્વી પરથી ઊંચે ચઢાવે છે.
    જેથી વીજળીને ચમકાવીને વરસાદ વરસાવે છે
    અને પોતાના ભંડારમાંથી વાયુઓને મોકલે છે.

14 તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ
    અને અજ્ઞાની થઇ ગયા છે.
દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઇને શરમાઇ જાય છે,
    કારણ, એ બધી મૂર્તિઓ તો અસત્ય અને પ્રાણ વગરની છે,
15 નકામી છે, હાંસીપાત્ર છે.
    દેવ તેમને સજા કરશે
    ત્યારે તેઓ નેસ્તનાબૂદ થઇ જશે.
16 પણ યાકૂબનો દેવ એવો નથી;
    તે તો આખી સૃષ્ટિનો સર્જનહાર છે,
અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે.
    તેનું નામ “સૈન્યોનો દેવ યહોવા છે.”

વિનાશ આવી ગયો

17 યહોવા કહે છે, “તમારામાંના જેઓ ઉપર ઘેરો નાખવામાં આવ્યો છે,
તેઓ તમારો સામાન બાંધો
    અને હવે જવાને માટે તૈયાર રહો.”
18 કારણ કે તે એમ કહે છે કે,
“આ વખતે હું એકાએક તેમને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ
    અને મોટી આપત્તિઓ નીચે એમને કચડી નાખીશ,
    એક પણ માણસ બચવા પામશે નહિ.”

19 લોકોએ કહ્યું, “અમારા ઘાની વેદના અસહ્યં છે,
    તે ઘા કદી રૂજાય તેમ નથી, અમે વિચાર્યુ કે;
આતો ફકત એક બિમારી જ છે
    અને અમે આ સહન કરી શકીશું.”
20 પણ અમારો તંબુ હતો ન હતો થઇ ગયો છે,
    એનાં દોરડાં તૂટી ગયા છે;
અમારા પુત્રો અમને છોડીને ચાલ્યા ગયા છે;
    એક પણ રહ્યો નથી;
અમારો તંબુ ફરી ઊભો કરનાર
    કે એના પડદા બાંધનાર કોઇ નથી!
21 આનુ કારણ મારા લોકોના ઘેટાંપાળકો ભાન ભૂલી ગયા છે;
    તેઓ યહોવાને અનુસરતા નથી તેથી સફળ થતા નથી.
અને તેમના બધા લોકો ઘેટાંઓના ટોળાની
    જેમ વેરવિખેર થઇ ગયા છે.
22 સાંભળો, ઉત્તર તરફથી આવતાં મોટાં સૈન્યોનો ભયંકર અવાજ સાંભળો,
    તેઓ યહૂદિયાના નગરોને શિયાળવાની
    કોતરોમાં ફેરવી નાખશે.

23 હે યહોવા, હું જાણું છું કે માણસનું ભાગ્ય એના હાથની વાત નથી.
    તે પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.
24 તેથી હે યહોવા, તમે અમને સાચે માર્ગે વાળો.
    અમને પ્રમાણસર શિક્ષા કરો,
રોષમાં આવીને નહિ,
    નહિ તો અમે હતા ન હતા થઇ જઇશું.
25 તમારો રોષ તમે બીજી પ્રજાઓ પર ઉતારો,
    જે લોકો તમને માનતા નથી,
    તમારું નામ લેતાં નથી. કારણ,
તેઓ યાકૂબના કુટુંબોને ખાઇ ગયા છે,
    તેમણે તેમનો અંત આણ્યો છે,
    અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.

માથ્થી 24

મંદિરના નાશની આગાહી

(માર્ક 13:1-31; લૂ. 21:5-33)

24 ઈસુએ મંદિર છોડયું અને ચાલતો હતો, ત્યારે શિષ્યો તેની પાસે આવ્યા. તેઓ તેને મંદિર બતાવવા લાગ્યા. ઈસુએ કહ્યું, “તમે આ બધું જુઓ છો? હું તમને સત્ય કહું છું, આ બધું તોડી પાડવામાં આવશે.એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામા આવશે નહિ. અને એક એક પથ્થરને જમીનદોસ્ત કરવામાં આવશે.”

પછી ઈસુ જૈતૂન પર્વત પર બેઠો હતો ત્યારે શિષ્યો તેની સાથે એકાંત માટે આવ્યા અને પૂછયું એ બધું ક્યારે બનશે? અને “અમને કહે કે તારા આગમનની અને જગતના અંતની નિશાનીઓ શું હશે?”

ઈસુએ કહ્યું, “સાવધાન રહો! તમને કોઈ ગેરમાર્ગે ન દોરે. ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે અને કહેશે, ‘હું જ ખ્રિસ્ત છું.’ અને તેઓ ઘણા લોકોને છેતરશે. પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે. રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોની સામે અને રાજ્યો બીજા રાજ્યોની વિરૂદ્ધ ઊઠશે. અને એક સમય એવો આવશે કે લોકોને ખાવા માટે ખોરાક પણ નહિ હોય અને જુદા જુદા વિસ્તારોમાં ધરતીકંપ થશે. પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે.

“આ સમયે તમને શિક્ષા માટે સુપ્રત કરવામાં આવશે અને તમને મારી નાંખશે કારણ કે તમે મારા શિષ્યો છો. બધા જ રાષ્ટ્રો તમારો તિરસ્કાર કરશે. 10 આ સમયે ઘણા લોકોનો વિશ્વાસ ડગી જશે. એકબીજાની સામે થઈ જશે અને એકબીજાનો તિરસ્કાર કરશે. 11 અનેક જૂઠા પ્રબોધકો નીકળી પડશે અને તેઓ ઘણાને આડે માર્ગે દોરી જશે. 12 અનિષ્ટ સર્વત્ર પ્રસરશે. પરિણામે ઘણાનો પ્રેમ ઠંડો પડી જશે. 13 પરંતુ જે કોઈ અંત સુધી ટકશે તે જ તારણ પામશે. 14 દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે. ત્યારે અંત આવશે.

15 “જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને’ તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે) 16 “ત્યારે જેઓ યહૂદિયામાં રહે છે તેઓને પહાડો તરફ ભાગી જવું પડશે. 17 જેઓ ઘરના છાપરાં પર હોય તેઓએ ઘરમાં સરસામાન લેવા જવું નહિ. 18 જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ.

19 “એ દિવસોમાં જે ગર્ભવતી સ્ત્રીઓ હશે, અને જેને ધાવણાં બાળકો હશે તેમને માટે દુ:ખદાયક દિવસ હશે. 20 પ્રાર્થના કરો કે તમારે શિયાળાનાં દિવસોમાં કે વિશ્રામવારે ભાગવું ના પડે. 21 એ દિવસોમાં એવી મોટી આપત્તિ આવશે કે સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધી કદી આવી નથી. અને ભવિષ્યમાં એવી આપત્તિ આવશે નહિ.

22 “આ ભયંકર આપત્તિના દિવસો લોકોને ખાતર ઓછા કરવામાં આવશે. જો તેમ ન થયું હોત તો કોઈ માણસ બચી શકત નહિ. પરંતુ દેવના પસંદ કરાયેલા માણસો માટે જ આ દિવસો ઘટાડવામાં આવશે.

23 “ત્યારે તમને જો કોઈ કહે કે જુઓ, અહીં ‘ખ્રિસ્ત’ છે અથવા તે અહીં છે તો તેનો વિશ્વાસ કરશો નહિ. 24 કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે. 25 જુઓ, આ વાત તમને અગાઉથી બાતાવું છું માટે સાવધ રહેજો.

26 “તેથી કોઈ તમને કહે; ‘ખ્રિસ્ત પેલી ઉજજડ ભૂમીમાં છે!’ પણ તે ઉજજડ પ્રદેશમાં ખ્રિસ્તને જોવા જશો નહિ. કોઈ કહે, ‘ખ્રિસ્ત અમુક ઘરમાં છે તો તે તમે માનશો નહિ. 27 જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે આકાશમાં પૂર્વથી પશ્ર્ચિમે ઝબકારા જેવું થશે જે દરેક માણસ જોઈ શકશે. તે પ્રમાણે માણસનો દીકરો પ્રગટ થશે. 28 જ્યાં મડદાં હશે, ત્યાં ગીધો ભેગાં થશે.

29 “એ દિવસોમાં જ્યારે વિપત્તિ દૂર થશે કે તરત જ:

‘સૂરજ અંધકારરૂપ થઈ જશે,
    અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ.
અને તારાઓ આકાશમાંથી ખરી પડશે.
    આકાશમાં બધુંજ ઘ્રુંજી ઊઠશે.’[a]

30 “એ સમયે, માણસના દીકરાના આવવાના સંકેત આકાશમાં જોવા મળશે, તે વખતે પૃથ્વી પરના બધાજ લોકો વિલાપ કરશે અને માણસના દીકરાને પરાક્રમ અને મોટા મહિમાસહિત આકાશના વાદળોમાં આવતો જોશે. 31 માણસનો દીકરો પોતાના દૂતોને પૃથ્વીની ચારે બાજુ મોકલવા મોટા અવાજથી રણશિંગડું ફૂંકશે. દૂતો પૃથ્વીના દરેક ભાગમાંથી પસંદ કરેલા માણસોને ભેગા કરશે.

32 “અંજીર પરથી બોધપાઠ લો, જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે તમે સમજી શકો છો કે ઉનાળો પાસે આવ્યો છે. 33 તે જ પ્રમાણે, જ્યારે તમે આ બધા જ બનાવો બનતા જુઓ, ત્યારે જાણી લેવું કે એ સમય નજીક આવી રહ્યો છે અને આવવાની તૈયારી છે. 34 હું તમને સત્ય કહું છું કે આ પેઢીનાં લોકોના જીવતાં જ આ બધી જ ઘટના બનશે. 35 આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય!

સમય તો ફક્ત દેવ જાણે છે

(માર્ક 13:32-37; લૂ. 17:26-30, 34-36)

36 “પણ એ દિવસ અને કલાક વિષે કોઈ જાણતું નથી. આકાશના દૂતો કે દીકરો કોઈ જાણતું નથી. ફક્ત તે બાપ જ જાણે છે.

37 “નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે. 38 જળપ્રલય થયો તે પહેલા લોકો ખાતાપીતા અને પરણાવતા, આ બધુજ નૂહ વહાણ પર ન ચઢયો ત્યાં સુધી બનતું રહ્યું. 39 જળપ્રલય થયો અને બધાને તાણીને લઈ ગયો, ત્યાં સુધી ખબર ન પડી, માણસના દીકરાને આવવાનું થશે, ત્યારે આવું જ બનશે. 40 એ સમયે ખેતરમાં કામ કરતાં બે માણસોમાંથી એકને ઉઠાવી લેવાશે અને બીજો ત્યાં જ છોડી દેવાશે. 41 આ સમયે ઘંટી ચલાવતી બે સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને ત્યાંથી ઊઠાવી લેવામાં આવશે અને બીજીને ત્યાંજ પાછળ રહેવા દેવામાં આવશે.

42 “એટલે તમે લોકો સાવધ રહો, કારણ કે તમારો પ્રભુ ક્યારે આવે છે તે તમે જાણતા નથી. 43 યાદ રાખો કે, જો ઘરના ધણીએ જાણ્યું હોત કે ચોર ક્યા સમયે આવશે તો તે ઘણી સજાગ રહેત અને ચોરને ઘરમાં પ્રવેશ કરવા ન દેત. 44 એટલે તમારે પણ તૈયાર રહેવું જોઈએ કારણ માણસનો દીકરો ગમે તે સમયે આવશે, જ્યારે તમને ખબર પણ નહિ પડે.

તૈયાર રહો

(લૂ. 12:41-48)

45 “ધણી પોતાના ઘરના સર્વને નિયત સમયે ખાવાનું આપવા જેને પોતાના ઘરના સેવકો પર અધિકારી નીમે છે એવો શાણો અને વિશ્વાસુ સેવક કોણ છે? 46 ધણી જ્યારે આવે ત્યારે જે સેવક આ કામ કરતો દેખાશે તે માણસ સુખી થશે. 47 હું તમને સત્ય કહું છું. એવા વફાદાર માણસને ધણી પોતાની તમામ મિલ્કતનો કારભારી બનાવશે.

48 “પણ જો નોકર દુષ્ટ હશે અને વિચારશે કે મારા ધણી તરત જ પાછા નથી આવવાના. 49 પછી તે પોતાના સાથીદાર સેવકોને મારપીટ કરશે. અને તે સેવક બીજા લોકો સાથે તેની જેમ ખાવા પીવા લાગશે. 50 પણ તે ચાકરનો ધણી એવો ઓચિંતો આવી પહોંચશે કે તેને તે દિવસની કદી આશા નહિં હોય અને તે સમય વિષે તે જાણતો નહિ હોય. 51 એનો સ્વામી એને ખરાબ રીતે સજા કરશે અને ઢોંગીઓ વચ્ચે તેનું સ્થાન નિશ્ર્ચિત કરશે. જ્યાં લોકો રૂદન કરતાં હશે. દુ:ખની પીડાથી દાંત પીસતાં થશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International