M’Cheyne Bible Reading Plan
આખાનનું પાપ
7 પણ ઇસ્રાએલીઓએ વિનાશ કરવાની શાપિત વસ્તુઓમાંથી લઈને પાપ કર્યુ છે. યહૂદા કુળસમૂહનો એક માંણસ આખાને જે ઝેરાહનો પુત્ર ઝાબ્દીનાં પુત્ર કાર્મીનો પુત્ર હતો તેણે ઘણી વસ્તુઓ પોતાને માંટે રાખી લીધી હતી. એટલે યહોવા ઇસ્રાએલીઓ ઉપર રોષે ભરાયા.
2 યરીખો નગરના પતન પછી તરત જ યહોશુઆએ કેટલાક માંણસોને યરીખોથી બેથેલની પૂર્વે બેથ-આવેન પાસે આવેલા આય નગરમાં મોકલ્યા અને તેમને કહ્યું કે, “આય જાઓ અને એ લોકો પર જાસૂસી કરો ને અમને સંદેશો મોકલો.” તેથી તેઓ ગયા અને આયની જાસુસી કરી.
3 ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે યહોશુઆને જણાવ્યું કે, “એ તો નાનું નગર છે, બધા માંણસોએ જવું નહિ, તેનો નાશ કરવા માંટે 2,000–3,000 માંણસો પૂરતા છે. બધાને તકલીફ આપવાની જરૂર નથી. તે લોકો બહું થોડા છે.”
4 આથી આશરે 3,000 ઇસ્રાએલી પુરુષોને આય નગર ઉપર હુમલો કરવા મોકલવામાં આવ્યા; પણ આયના લોકોએ તેમને ઘોર પરાજય આપ્યો. 5 પરંતુ આ હુમલા દરમ્યાન ઇસ્રાએલના 36 માંણસો માંર્યા ગયા; અને બાકીનાને નગરના દરવાજાથી તે છેક (શબારીમ) પથ્થરની ખાણો[a] સુધી પીછો કરવામાં આવ્યો અને ઢોળાવ પર તેઓને માંરી નાખવામાં આવ્યાં.
આથી ઇસ્રાએલીઓએ તેમની હિમ્મત ગુમાંવી દીધી અને તેઓ ભયભીત થઈ ગયા. 6 યહોશુઆ તથા તેમના આગેવાનોએ વસ્ત્રો ફાડી નાખ્યાં અને માંથાઁ પર ધૂળ નાખ્યો, અને સાંજ સુધી મોઢું જમીન પર રાખી યહોવાના પવિત્રકોશ સમક્ષ પડી રહ્યાં.
7 ત્યારે યહોશુઆએ યહોવા ને કહ્યું, “હે યહોવા માંરા માંલિક! તે અમને યર્દન નદીને પાર કરાવ્યા અને એમ આ તરફ આવ્યા શા માંટે? શું તારો ઈરાદો અમને અમોરીઓને સોંપી દેવાનો હતો જેથી અમાંરો વિનાશ કરવામાં આવે? અમે નદીને પેલે પાર શાંતિ અને સંતોષથી રહ્યા હોત તો કેવું સારું! 8 ઓ માંરા માંલિક! ઇસ્રાએલીઓ પોતાના શત્રુઓથી નાસી છુટ્યા છે, તે પછી હવે માંરે શું કહેવું? 9 કનાનીઓને તથા દેશના બધા જ વતનીઓને આ બાબતની જાણ થવાની છે. તેઓ બધા અમને ઘેરી વળશે અને અમને અમાંરી ભૂમિ પરથી કાઢી નાખશે અને પૃથ્વી પરથી અમાંરુ નામનિશાન ભૂંસી નાખશે. તો પછી તમાંરા મહાન નામ વિષે શું કરશો?”
10 યહોશુઓને યહોવાએ કહ્યું, “ઊભો થા, આમ ઊંધે માંથે જમીન પર શા માંટે પડયો છે? 11 ઇસ્રાએલીઓએ પાપ કર્યુ છે અને માંરો કરાર તોડ્યો છે, જેને અનુસરવા મે આજ્ઞા કરી હતી. મે વિનાશ કરવા માંટે આજ્ઞા કરી હતી તે શાપિત વસ્તુઓમાંથી તેઓએ ચોરી કરી છે. અને એના વિષે તેઓએ કહ્યું નહિ. અને તેમણે ચોરેલી વસ્તુઓ છુપાવી દીધી છે. 12 આથી તેઓ દુશ્મનો સામે ટકી શકતા નથી. અને તેઓ લડાઈ છોડીને પાછા ભાગી ગયા કારણકે તેઓ નાશ પામવા માંટે ઠરાવાયેલા છે. હવે જ્યા સુધી તમે તમાંરા દ્વારા લેવાયેલી બધી વસ્તુઓનો નાશ નહિ કરો, ત્યાં સુધી હું તમાંરી સાથે રહેનાર નથી.
13 “તેથી, ઊભો થા અને લોકોને શુદ્ધ કર. તેમને કહે: ‘આવતી કાલ માંટે તમે તમાંરી જાતન શુદ્ધ કરો, કારણ ઇસ્રાએલીઓના યહોવા દેવે કહ્યું છે કે, લોકોએ ચોરી કરી છે અને જે તમાંરે ન રાખવી જોઈએ તે વસ્તુઓ રાખી લીધી છે, તમે તમાંરા તાબામાં તે શાપિત વસ્તુઓ રાખી છે જેનો મેં તમને નાશ કરવાની આજ્ઞા કરી હતી અને જો જ્યાં સુધી તે વસ્તુઓ નાશ ન પામે ત્યાં સુધી તમે તમાંરા દુશ્મનોને કરાવી શકવાના નથી.
14 “‘આથી સવારે તમે બધા પોતાના કુળસમૂહ પ્રમાંણે આવજો અને જે કુળસમૂહને યહોવા પસંદ કરશે તે જાતિ પ્રમાંણે આગળ આવશે અને જે જાતિ યહોવા પસંદ કરશે તે કુટુંબો પ્રમાંણે આગળ આવશે. અને યહોવા જે કુટુંબને પસંદ કરે તે વ્યક્તિ પ્રમાંણે આગળ આવશે. 15 જો વ્યક્તિએ વસ્તુઓમાંથી ચોરી કરી હોય જેનો નાશ કરવાનો હતો, તેને તેની મિલ્કત સાથે જીવતો બાળી મુકાશે, કારણકે તેણે યહોવાની આજ્ઞાનું ઉલ્લઁધન કર્યું હતું, યહોવાના કરારને તોડ્યો છે, અને ઇસ્રાએલના લોકોને ભયંકર ઈજા પહોચાડી છે.’”
16 યહોશુઆ સવારમાં વહેલો ઊઠયો અને ઇસ્રાએલીઓને કુટુંબ પ્રમાંણે આગળ લઈ આવ્યો, અને યહૂદાના કુટુંબને પસંદ કરવામાં આવ્યું. 17 યહોશુઆ યહૂદાના કુટુંબોને આગળ લઈ આવ્યો અને ઝેરાહના કુટુંબને પસંદ કરવામાં આવ્યું. પછી તે ઝેરાહીઓના કુટુંબને આગળ લાવ્યો, અને ઝીમ્રીના કુટુંબને પસંદ કરવામાં આવ્યું. 18 ઝીમ્રી પોતાના કુટુંબના સભ્યોને વારાફરતી યહૂદાના કુળસમૂહમાંથી આગળ લાવ્યો, અને ઝેરાહના પુત્ર જાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાનને શોધી કાઢવામાં આવ્યો.
19 પછી યહોશુઆએ આખાનને કહ્યું, “પુત્ર, ઇસ્રાએલના દેવ યહોવાને આદર આપ અને તેં જે કાંઈ કર્યું હોય તે મને કહે. માંરાથી કશું છુપાવીશ નહિ.”
20 આખાને કહ્યું, “હું કબૂલાત કરું છું કે, મેં ઇસ્રાએલના દેવ યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે, માંરો ગુનો આ છે: 21 લૂંટની વસ્તુઓમાં માંરી નજર શિનાર દેશના એક સુંદર ઝભ્ભા ઉપર અને બસો તોલા ચાંદી અને પચાસ તોલા સોનાની લગડી ઉપર પડી અને માંરું મન લલચાયું તેથી મે એ વસ્તુઓ ઉપાડી લીધી અને માંરા તંબુમાં જમીનમાં દાટી દીધી છે. ચાંદી સૌથી નીચે છે.”
22 તેથી યહોશુઆએ તે શોધવા માંટે કેટલાક માંણસો મોકલ્યા. તેઓ દોડતા તંબુમાં ગયા અને આખાને કહ્યું હતું તે જ રીતે ચોરેલી વસ્તુઓ અને સૌથી નીચે ચાંદી જમીનમાં દાટેલા હતાં. 23 તેમણે એ વસ્તુઓ તંબુમાંથી બહાર કાઢી યહોશુઆ અને બધા ઇસ્રાએલીઓ આગળ લાવીને યહોવા સમક્ષ રજૂ કરી.
24 ત્યાર પછી યહોશુઆ ઝેરાહના પુત્ર આખાનને ચાંદી, ઝભ્ભો અને સોનાની લગડી તથા તેનાં છોકરાછોકરી, ઢોર, ગધેડાં, તંબુ તથા તેના સર્વસ્વ સાથે આફતની ખીણમાં લઈ ગયો, અને બધા ઇસ્રાએલીઓ તેની સાથે ગયા. 25 યહોશુઆએ આખાનને કહ્યું, “તેં અમાંરા ઉપર આ આફત કેમ ઉતારી? હવે યહોવા તમાંરા ઉપર આફત ઉતારશે.” પછી બધા ઇસ્રાએલીઓએ તેને ઈંટાળી કરીને માંરી નાખ્યો. તે લોકોએ તે બધાંને બાળી મૂકયાં, અને ઈંટાળી કરીને માંરી નાખ્યાં. 26 પછી તેઓએ તે જગ્યાએ પથ્થરોનો મોટો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં છે. તે જગ્યા આખોરની ખીણ[b] ને નામે ઓળખાય છે. ત્યાર પછી યહોવા ગુસ્સે ન હતા.
1 અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
2 એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
4 આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
કેવી રીતે ગાઇ શકીએ?
5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
“મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
6 જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.
7 હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
8 હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
તે ધન્ય કહેવાશે.
દાઉદને સમર્પિત એક ગીત.
1 હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ;
હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
2 તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે,
હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ,
હું તમારો આભાર માનીશ
અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
3 મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
અને આત્મબળ આપી મને બળવાન કર્યો.
4 હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે;
તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
5 તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે,
કારણકે યહોવાનો મહિમા મહાન છે!
6 જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે.
તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે.
પણ ગવિર્ષ્ઠ માણસોને તો
તે દૂરથી જ ઓળખે છે.
7 ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો;
મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
8 યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.
હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે;
મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.
1 બિન્યામીન પ્રદેશના અનાથોથ ગામના યાજક કુળસમૂહના હિલ્કિયાના પુત્ર યર્મિયા પાસે દેવ તરફથી આવેલા આ યહોવાના વચન છે: 2 યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યમાં તેરમે વર્ષે તેને યહોવાની વાણી સંભળાઇ; 3 વળી યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન તેમ જ તે પછી યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યના અગિયારમા વર્ષ સુધી એ સંભળાતી રહી. એ વર્ષના પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા.
યર્મિયાને દેવ તરફથી હાકલ
4 યહોવાએ મને કહ્યું:
5 “તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં
મેં તને પસંદ કર્યો હતો;
તું જન્મ્યો તે પહેલાં
મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો,
આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.”
6 મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! હું તેમ કરી શકું તેમ નથી, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી નાની વયનો બાળક છું!”
7 પરંતુ યહોવાએ કહ્યું,
“હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’
કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે,
અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવું પડશે.
8 તે લોકોથી બીશ નહિ, કારણ,
હું તારી જોડે રહી તારું રક્ષણ કરીશ.”
આ યહોવાના વચન છે.
9 પછી યહોવાએ પોતાનો હાથ લંબાવીને મારા મોંને સ્પર્શ કર્યો અને મને કહ્યું,
“જો મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!
10 આજે હું તને પ્રજાઓ અને રાજ્યો પર સત્તા આપું છું,
તારે તોડી પાડવાનું અને ઉખેડી નાખવાનું છે,
વિનાશ કરવાનું અને ઉથલાવી નાખવાનું છે,
બાંધવાનું અને રોપવાનું છે.”
બે સંદર્શન
11 પછી મને યહોવાએ કહ્યું, “યર્મિયા, જો! તું શું જુએ છે?”
મેં જવાબ આપ્યો, “બદામડીના ઝાડની ડાળીને હું જોઇ શકું છુ.”
12 પછી યહોવાએ મને કહ્યું, “તેં જે કઇં જોયું તે બરાબર છે, કારણ, હું તારા પરના મારાં વચનો પૂરાં કરવાની બાબતની ખાતરી કરવા ધ્યાનથી જોઉ છું.”[a]
13 ફરીવાર મને યહોવાનાં વચન સંભળાયા, “તને શું દેખાય છે?”
મેં કહ્યું, “એક ઊકળતો ચરું દેખાય છે; એ ઉત્તર તરફથી આ તરફ નમેલો છે.”
14 યહોવાએ કહ્યું, “ઉત્તરમાંથી જ આ દેશનાં
સૌ વાસીઓ પર આફત ઉતરશે.
15 હા! જુઓ, હું ઉત્તરમાં બધા રાજ્યોને બોલાવું છું.
તેમના રાજાઓ યરૂશાલેમના દરવાજા સામે
“તેની ફરતેની દીવાલની સામે,
તેમ જ યહૂદિયાના બધા નગરોની સામે
પોતપોતાનું સિંહાસન માંડશે.
આ યહોવાના વચન છે.
16 મારા લોકોના સર્વ દુષ્કૃત્યો બદલ હું
તેમને સજા ફરમાવીશ.
કારણ, તેમણે મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ કર્યા છે,
પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા પણ કરી છે.
17 “તારા માટે તારે ઉભા થવું પડશે,
તારો પોષાક પહેર અને બહાર જા,
અને હું તને જે ફરમાવુ તે
તું જઇને તેઓને કહે.
તેઓથી ડરીશ નહિ, નહિ તો હું
તને તેઓની આગળ ભયગ્રસ્ત ઠરાવીશ.
18 અને તેના બદલે હું તને,
તે શહેર જેની બાજુએ કિલ્લો હશે તેવો બનાવીશ
અને તને લોખંડી સ્તંભ જેવો
અને કાંસાની દીવાલ બનાવું છું જેથી તું રાજાઓ, આગેવાનો,
યાજકો અને યહૂદિયાના બધા લોકો જે તારી વિરુદ્ધ છે,
તેમની સામે ઊભો રહી શકે.
19 તેઓ તારી સાથે યુદ્ધ કરશે,
પણ તને હરાવી શકશે નહિ,
કારણ, હું તારે પડખે રહી
તારું રક્ષણ કરીશ.”
આ હું યહોવા બોલું છું.
દેવની આજ્ઞા અને મનુષ્યએ બનાવેલ નિયમો
(માર્ક 7:1-23)
15 પછી કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરૂશાલેમથી ઈસુની પાસે આવ્યા અને તેઓએ પૂછયું. 2 “તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!”
3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો? 4 દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’(A) અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’(B) 5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’ 6 આમ તમે પોતાના બાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે. 7 તમે દંભી છો! તમારા વિષે યશાયાએ જે ભવિષ્યવાણી કરી છે, તે સાચી છે:
8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,
પરંતુ તેઓનાં હૃદય મારાથી ઘણાં દૂર છે.
9 તેઓની મારા તરફની ભક્તિ નકામી છે.
તેઓ દેવની આજ્ઞાઓને બદલે માણસોએ બનાવેલા નિયમોનો ઉપદેશ આપે છે.’”(C)
10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું, “હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને સમજવા પ્રયત્ન કરો. 11 મનુષ્ય જે ખોરાક ખાય છે, તેથી તે અપવિત્ર થઈ જતો નથી, પરંતુ તેના મુખમાંથી જે કોઈ શબ્દો નીકળે છે તેનાથી તે અશુદ્ધ બને છે તેનાથી તે અપવિત્ર થાય છે.”
12 ત્યારે શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, “શું તમને ખબર છે કે તમારી આ વાતથી ફરોશીઓ ગુસ્સે થયા છે?”
13 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા આકાશમાંના બાપે રોપ્યાં નહિ હોય એવા દરેક છોડને મૂળમાંથી ઉખાડી નાંખવામાં આવશે. 14 માટે ફરોશીઓની વાત જવા દો. જો એક આંધળો માણસ બીજા આંધળા માણસનો દોરશે તો બંન્ને જણ ખાડામાં પડશે.”
15 પિતરે ઈસુને વિનંતી કરી કહ્યું, “અગાઉ લોકોને આપેલ દૃષ્ટાંતનો અર્થ સમજાવો.”
16 ઈસુએ કહ્યુ, “હજુ પણ તમને સમજવામાં મુશ્કેલી છે? 17 શું તમે નથી જાણતાં કે જે ખોરાક તમારા મોંમાં જાય છે તે પેટમાં જાય છે. પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તે ગટરમાં જાય છે. 18 પરંતુ જે શબ્દો વ્યક્તિના મોંમાંથી નીકળે છે તે જે રીતે વ્યક્તિ વિચારે છે તેનું પરિણામ છે. આ શબ્દો માણસને અસ્વચ્છ બનાવે છે. 19 કેમ કે ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, દુરાચાર, જૂઠ, ચોરી, નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે. 20 માણસને આજ વસ્તુ અપવિત્ર બનાવે છે. હાથ ધોયા વિના ખાવાથી કંઈ અશુદ્ધ થવાતું નથી.”
ઈસુ બીન યહૂદિ સ્ત્રીને મદદ કરે છે
(માર્ક 7:24-30)
21 પછી એ વિસ્તારમાંથી ઈસુ દૂર તૂર અને સિદોનના પ્રદેશમાં ગયો. 22 ત્યાં રહેતી એક કનાની સ્ત્રીઓ ઈસુ પાસે આવીને જોરથી બૂમ પાડીને વિનંતી કરી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરીને ભૂત વળગેલું છે અને તે કાયમ રિબાયા કરે છે.”
23 પણ ઈસુએ તેને કશો જ ઉત્તર આપ્યો નહિ, શિષ્યોએ ઈસુને વિનંતી કરતાં કહ્યું, “તેને દૂર મોકલી દો. તે આપણી પાછળ આવે છે અને બૂમો પાડે છે.”
24 ઈસુએ કહ્યું, “દેવે મને ઈસ્રાએલના (યહૂદિઓ) ઘરનાં ખોવાયેલાં ઘેટાં પાસે મોકલ્યો છે.”
25 પછી તે સ્ત્રી ફરીથી ઈસુ પાસે આવી અને તેને પગે પડી કહેવા લાગી, “પ્રભુ, મને મદદ કર!”
26 ઈસુએ કહ્યું, “છોકરાઓની રોટલી લઈન કૂતરાંઓને આપવી એ બરાબર નથી.”
27 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “હા પ્રભુ, એ તો ખરું છે પરંતુ કૂતરાંઓ પોતાના માલિકના મેજ નીચે પડેલા રોટલીના નાના ટુકડાઓ ખાય છે.”
28 ઈસુએ કહ્યું, “બાઈ, તારો વિશ્વાસ ઘણો છે! તારી ઈચ્છા પ્રમાણે તને થાઓ.” તેની દીકરી તે જ ઘડીએ સાજી થઈ ગઈ.
ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા
29 પછી ઈસુએ તે સ્થળ છોડી દીઘું. અને ગાલીલના સરોવરના કિનારે ગયો. પછી તે એક ટેકરી પર ચઢયો અને ત્યાં બેઠો.
30 લોકોનાં ટોળેટોળાં ત્યાં આવ્યાં લંગડા, આંધળા, ટુડાંઓને, મૂંગા અને બીજા ઘણા માંદા લોકોને ઈસુના પગ આગળ લાવીને તેમને મૂક્યાં અને તેણે તે બધાને સાજા કર્યા. 31 લોકો આશ્ર્ચર્ય પામ્યા. કારણ કે તેઓએ મૂંગાઓને બોલતાં જોયાં, અપંગ સાજા થયાં, લંગડા ચાલતા થયાં અને આંધળા દેખતાં થયા છે! આથી લોકોએ ઈસ્રાએલના દેવની સ્તુતિ કરી.
ઈસુએ 4,000 કરતાં વધુ લોકોને જમાડયા
(માર્ક 8:1-10)
32 પછી ઈસુએ તેના શિષ્યોને પાસે બોલાવ્યા અને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે કારણ કે તેઓ ત્રણ દિવસથી સતત મારી સાથે છે. હવે એમની પાસે કંઈજ ખાવાનું નથી. હું તેમને ભૂખ્યા જવા દેવા માંગતો નથી, કદાચ રસ્તામાં તેઓ જતાં જતાં ભૂખથી બેભાન થઈ જાય.”
33 પછી શિષ્યોએ કહ્યું, “આટલા બધા લોકોને જમાડવા આપણે પૂરતી રોટલી ક્યાંથી મેળવીશું અને આપણે કોઈપણ ગામથી ઘણા દૂર છીએ.”
34 ઈસુએ પૂછયું, “તમારી પાસે કેટલી રોટલી છે?”
શિષ્યોએ કહ્યું, “અમારી પાસે સાત રોટલીઓ અને થોડીક નાની માછલીઓ છે.”
35 ઈસુએ લોકોને જમીન પર બેસી જવા કહ્યુ. 36 ઈસુએ રોટલી અને માછલી લઈન દેવનો આભાર માન્યો અને તેણે રોટલીના ટૂકડા કરી શિષ્યોને આપ્યા અને શિષ્યોએ તે ટૂકડા લોકોને આપ્યા. 37 દરેકે ઘરાઈને ખાધું. પછી વધેલા ટૂકડા ભેગા કર્યા અને તેની સાત ટોપલી ભરાઈ. 38 ત્યાં જેઓએ ખાધું તેમાં સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત 4,000 પુરુંષો હતા. 39 પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને તેઓ હોડીમાં બેસી મગદાન પ્રદેશમાં ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International