New Testament in a Year
15 આપણે સબળ વિશ્વાસુ છીએ. તેથી જે લોકો વિશ્વાસમાં નિર્બળ હોય તેવાને આપણે મદદ કરવી જોઈએ. એ લોકોની નિર્બળતાઓ સંભાળી લઈને આપણે એમને મદદ કરવી જોઈએ. આપણે આપણી જાતને ખુશ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. 2 આપણામાંના દરેકે બીજાને પણ ખુશ કરવા જોઈએ. એમને મદદ કરવા આપણે આમ કરવું જોઈએ. એમનો વિશ્વાસ દ્રઢ થાય એ માટે એમને મદદ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. 3 ખ્રિસ્ત પણ પોતાને ખુશ કરવાના પ્રયત્નમાં જીવન જીવ્યો ન હતો. તેના વિષે શાસ્ત્રમાં કહ્યું છે તેમ: “જે લોકોએ તારું અપમાન કર્યું છે, તેમણે મારું પણ અપમાન કર્યું છે.”(A) 4 ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે. 5 ધીરજ અને શક્તિનો સ્રોત દેવ છે. દેવને મારી પ્રાર્થના છે કે ખ્રિસ્ત ઈસુ ઈચ્છે છે તેમ તમને સૌને હળીમળીને સાથે રહેવામાં દેવ તમારી મદદ કરે. 6 એમ કરવાથી તમે સૌ એક સૂત્રમાં બંધાશો. અને આમ તમે સૌ સાથે રહીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા દેવને મહિમાવંત કરશો. 7 ખ્રિસ્તે તમને સ્વીકાર્યા, તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે. 8 મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ. 9 અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે,
“માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ;
અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.” (B)
10 શાસ્ત્ર તો આમ પણ કહે છે:
“દેવના માણસોની સાથે સાથે સૌ
બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” (C)
11 વળી શાસ્ત્ર આમ પણ કહે છે:
“તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો;
અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” (D)
12 અને યશાયા પ્રબોધક કહે છે:
“યશાઈના વંશમાંથી[a] એક વ્યક્તિ આવશે.
તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે;
અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” (E)
13 હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો, તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો. જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સાર્મથ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International