ગીતશાસ્ત્ર 81
Gujarati: પવિત્ર બાઈબલ
નિર્દેશક માટે. રાગ: ગિત્તિથ આસાફના ગીતોમાંનુ એક.
1 દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ,
યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.
2 ઢોલક અને સિતાર
અને મધુર વીણા સાથે
તેમના સ્તુતિ-ગાન ગાઓ.
3 રણશિંગડું વગાડો! આવો અને પૂનમનો દિવસ ઉજવો,
નૂતન ચંદ્રનો પવિત્ર દિવસ અને અન્ય સર્વ પવિત્રપવોર્; ઉમંગે ઊજવો.
4 એમ કરવુંએ ઇસ્રાએલનાં લોકો માટે તે વિધિ છે,
દેવે યાકૂબને તે હુકમ આપ્યો છે.
5 જ્યારે તે મિસરમાંથી ઇસ્રાએલીઓને લાવ્યાં
ત્યારે દેવે યૂસફ[a] સાથે કરાર કર્યો;
જ્યાં અમે એક ભાષા સાંભળી જે અમે સમજ્યાં નથી.
6 દેવ કહે છે, “મેં તમારા ખભાને બોજથી મુકત કર્યા,
મેં તમારા હાથોને વજનદાર ટોપલાંથી મુકત કર્યા.
7 સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યાં;
ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુતર આપ્યો;
મરીબાહનાં પાણી આગળ મેં તમારી પરીક્ષા કરી.
8 “હે મારા લોકો, સાંભળો; હે ઇસ્રાએલ માત્ર મારું સાંભળો;
હું તમને કડક ચેતવણી આપું છું.
9 અન્ય દેવતાઓની આરાધના તમારે કદાપિ કરવી નહિ,
અને ઘરમાં મૂર્તિ રાખવી નહિ.
10 કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર
હું ‘યહોવા’ તમારો દેવ છું!
તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ.
હું તમને ખવડાવીશ.
11 “પણ ના! મારા લોકોએ મને સાંભળી નહિ;
ઇસ્રાએલ મારી ચેતવણી સ્વીકારવા ઇચ્છતુ નથી.
12 તેથી તેઓને મેં જવા દીધા તેમના અંધારિયાં તથા હઠીલા માર્ગે;
અને તેઓની ઇચ્છા પ્રમાણે જીવવા દીધા.
13 મારા લોકો મારું સાંભળે તો કેવું સારું! અરે,
ઇસ્રાએલ મારું અનુસરણ કરો અને મારા માર્ગો પર ચાલે તો કેવું સારું!
14 તો હું તેઓના શત્રુઓને પરાજીત કરું અને વહેલા નમાવું;
અને તેઓના વેરીની વિરુદ્ધ, મારો હાથ ઝડપથી ઉપાડું!
15 જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ધૂજશે;
પણ તેમની સજા તો સદાને માટે રહેશે.
16 પરંતુ તમને હું, શ્રેષ્ઠ ઘઉંથી તૃપ્ત કરીશ;
અને તમને, ખડકમાંના મધથી સંતોષ આપીશ.”
Footnotes
- 81:5 યૂસફ અહીં તેનો અર્થ છે યૂસફનો પરિવાર, ઇસ્રાએલી લોકો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International