ગીતશાસ્ત્ર 41
Gujarati: પવિત્ર બાઈબલ
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે;
સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
2 તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે;
તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે
અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
3 યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે,
અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.
4 મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજો કરો,
કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
5 મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
તેનું નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
6 મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે,
અને હૃદયમાં અન્યાયનો સંગ્રહ કરે છે;
જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે
અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
7 મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે,
અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
8 તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે
કે તે પથારીમાં પડ્યો છે
ઓટલે પાછો ઊઠવાનો નથી.”
9 મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ
અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
10 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો;
મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
11 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે;
તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
12 હું નિર્દોષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો.
તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.
13 ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી
તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે.
આમીન તથા આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International