ગીતશાસ્ત્ર 10
Gujarati: પવિત્ર બાઈબલ
1 હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
2 દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
3 ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
4 દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
5 તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
6 “હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
7 તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
8 નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
માટે તેઓ છુપાઇ જાય છે.
9 જેમ સિંહ ગુફામાં છુપાઇને
ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”
12 હે યહોવા, ઊઠો! હે દેવ,
તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.
15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International